સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડના નંબર સાથે બેન્કનાં ખાતાં અને મોબાઇલ નંબરને લિંક કરવા અંગેની પળોજણમાંથી સામાન્ય નાગરિકને રાહત આપી છે. કોર્ટે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે બેન્ક ખાતાં સાથે આધાર લિંક કરવા માટેની 31 માર્ચની સમયમર્યાદા અચોક્કસ મુદત સુધી વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે 12 આંકડાના આધાર નંબરની કાયદેસરતા અંગે બંધારણીય બેન્ચ ચુકાદો ન આપે ત્યાં સુધી આધાર લિંક કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે આધાર લિન્ક કરવાની 31 માર્ચની સમયમર્યાદા વધારી દીધી છે. કેન્દ્રએ બેન્ચ સમક્ષ કહ્યું હતું કે તેણે કહ્યું છે કે તે 31 માર્ચની સમયમર્યાદા વધારવા માટે તૈયાર છે. ત્યાર બાદ બેન્ચે આ આદેશ કર્યો હતો. બેન્ચે કહ્યું કે આધાર નંબર બેન્ક ખાતા સાથે અને મોબાઇલ ફોન નંબર સાથે લિન્ક કરવાના મામલે પણ આ સમયમર્યાદા લાગુ પડશે.
મતલબ કે હવે બેન્ક ખાતા કે મોબાઇલ ફોન નંબર સાથે આધાર લિન્ક કરવા માટે પૂરતો સમય મળશે અને 31 માર્ચની સમયમર્યાદા લાગુ નહીં પડે.