મુંબઈઃ શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં ત્રિમાસિક ગાળાના પરિણામના આંકડા, ટ્રેડ વોરને લઈને ચિંતા અને આરબીઆઈ દ્વારા હાલમાં લેવામાં આવેલા પગલાંની સીધી અસર જાવા મળશે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા સત્રમાં ખૂબ જ પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી સતત વધી રહ છે. આ ઉપરાંત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ૨૫ બેઝીક પોઈન્ટનો વધારો પણ કરવામાં આવ્યો છે. સાપ્તાહિક આધાર ઉપર બેંચમાર્ક સેન્સેક્સમાં ૦.૫૮ ટકાનો વધારો થયા બાદ તેની સપાટી ૩૭૫૫૬ નોંધાઈ હતી. જ્યારે નિફ્ટી ૦.૭૩ ટકા ઉછળીને ૧૧૩૬૧ની સપાટીએ રહી હતી.
ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર તમામની નજર કેન્દ્રિત છે. આ સપ્તાહમાં જુલાઈ ત્રિમાસિક ગાળાના આંકડા મોટી કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આવતીકાલે અદાણી પોર્ટ દ્વારા અને સાતમી ઓગસ્ટના દિવસે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા રિપોર્ટ કાર્ડ જારી કરવામાં આવશે. આઠમી ઓગસ્ટના દિવસે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, સીપ્લા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, લ્યુપીન દ્વારા તેમના રિપોર્ટ કાર્ડ જારી કરાશે. જ્યારે નવમી ઓગસ્ટના દિવસે અરવિંદો ફાર્માના પરિણામ જાહેર કરાશે. ગેલ ઈન્ડિયા, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૦મી ઓગસ્ટના દિવસે તેમના રિપોર્ટ કાર્ડ રજુ કરાશે. આવી જ રીતે ભારત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કેટલીક અમેરિકી ચીજવસ્તુઓ પર વિલંબથી ટેરીફ લાગુ કરવામાં આવનાર છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફને લઈને મતભેદો વધ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા બાદથી આ મતભેદો વધ્યા છે. ૨૦૧૬માં દ્વિપક્ષીય કારોબારનો આંકડો ૧૧૫ અબજ ડોલરનો હતો પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના પરિણામ સ્વરૂપે આ આંકડો ૩૧ અબજ ડોલર સુધી નીચે પહોંચી ગયો છે. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરની સ્થિતિ પણ બજાર ઉપર અસર કરશે. અમેરિકામાં જોબ ડેટાને લઈને પણ કારોબારીઓ નજર રાખી રહ્યા છે. નોનફાર્મ પેરોલમાં ગયા મહિનામાં ૧૫૭૦૦૦ નોકરી ઉમેરાઈ છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે. સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે.
આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે. પ્રશાંત મહાસાગરની સપાટી ઉપર વોર્નિંગની અસર દેખાઈ રહી છે. અન્ય જે પરીબળોની અસર દેખાનાર છે તેમાં વૈશ્વિક બજારમાં પ્રવાહ, વિદેશી અને સ્થાનિક મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રુડ ઓઈલની કિંમતમાં ઉથલપાથલની અસર જાવા મળશે. આગામી સપ્તાહમાં રોકાણકારો આ તમામ પરીબળોને ધ્યાનમાં લઈને નાણાં રોકવા માટે ઈચ્છુક બનેલા છે.