- રાજ્યભરમાં ૧૧૦ ખરીદ કેન્દ્રો પર ખરીદી થશે : રજીસ્ટર્ડ થયેલા ૩૬,૪૮૦ ખેડૂતો
- રાજ્યના રર જિલ્લાઓમાં ખરીદી થશે
- ખેડૂતોને કોઇપણ જાતની તકલીફ નહીં પડે તે માટે પુરતી તકેદારી રખાશે
- તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી : ૧રમી માર્ચથી ૪૦ કેન્દ્રો પરથી ખરીદાશે
મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરીને ખરીદી શરૂ કરી હતી. પરંતુ રાજ્યમાં થયેલ મબલખ ઉત્પાદનના કારણે આ ખરીદી વધારવા માટે રજૂઆતો થતાં કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી તે સંદર્ભે વધારાની ૧ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપી છે. જે ખરીદી આગામી તા. પાંચમી માર્ચથી ૯મી માર્ચ દરમ્યાન કરાશે.
તેમણે ઉમેર્યું કે, વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવા માટે ૩૬,૪૮૦ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું છે. આ માટે રર જિલ્લામાં ૧૧૦ ખરીદ કેન્દ્રો શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા નાફેડના સહયોગથી બનાસડેરી, ગુજકોટ, ગુજકોમાસોલ, ગુજપ્રો અને સાબરડેરી દ્વારા આ ખરીદી થશે. ખેડૂતોને આ ખરીદી દરમ્યાન કોઇપણ તકલીફ ન પડે તે માટે ગોડાઉન પર વિડીયોગ્રાફી તેમજ સી.સી.ટી.વી.ની વ્યવસ્થા કરાશે. ઉપરાંત ખરીદી થનાર મગફળીની ગુણવત્તા તેમજ તમામ વ્યવસ્થાઓ માટેનું સુપરવીઝન કરવા પણ મુખ્ય સચિવએ સંબંધિતોને સૂચનાઓ આપી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે અત્યાર સુધી ખેડૂતો પાસેથી ૯ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી છે.
ગાંધીનગર ખાતેથી મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘે રાજ્યના તમામ કલેકટરઓ સાથે આ સંદર્ભે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી પરામર્શ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિ મંત્રી આર. સી. ફળદુ દ્વારા કિસાનોના હિતમાં કેન્દ્ર સરકારે રજૂઆત કરાતા કેન્દ્ર સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો છે.
મુખ્ય સચિવએ ઉમેર્યું કે, રાજ્યમાં તુવેરનું પણ ઉત્પાદન વધુ થયું હોઇ તુવરને પણ ટેકાના ભાવે ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે માટે પણ પાંચમી માર્ચથી ૧રમી માર્ચ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાશે અને ૧રમી માર્ચથી ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરાશે અને ૪૦ ખરીદ કેન્દ્રો પરથી આ ખરીદી થશે.