પ્લાસ્ટિક ઉદ્યોગને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્ય સરકાર પ્લાસ્ટિક પાર્કનું નિર્માણ કરશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
  •  પ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
  • પ્લાસ્ટિક ઉદ્યોગના વિશ્વના ત્રીજા સૌથી મોટા પ્રદર્શનનું ગાંધીનગરમાં ૧૨ ફેબ્રુઆરી સુધી આયોજન

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં યોજાઇ રહેલા પાંચ દિવસીય પ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮ એક્ઝિબિશન- કોન્ફરન્સ અને કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઇનોવેશન્સ સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ વ્યક્ત કરી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું વિકાસનું નવતર ક્ષેત્ર છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યું હતું કે પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્યનો બીજો પ્લાસ્ટિક પાર્ક નિર્માણ થશે. ભરૂચના દહેજમાં આ પ્રકારનો ડેડિકેટેડ પ્લાસ્ટિક પાર્ક રાજ્ય સરકારે કાર્યરત્ કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક ઉત્પાદનો ‘ઝિરો ડિફેક્ટ’ પર્યાવરણ પ્રિય ઉત્પાદનો બની રહે તથા રિસાયકલિંગ અને ન્યૂ ઇન્વેન્શન્સથી પ્લાસ્ટિક ઉત્પાદનો વધુ સહજ બને તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે. આ માટે ગુજરાત સરકારે પ્લાસ્ટિક ઉદ્યોગની ટેક્નોલોજીમાં નવા શોધ-સંશોધનોને વેગ આપવા વાપીમાં પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્થાપનાની પ્રક્રિયા ગતિમય બનાવી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્લાસ્ટિક-પોલીમર્સના ઉદ્યોગોના વિકાસની તેજ રફ્તાર સરકારે જાણીને સ્પેસિફિક પ્લાસ્ટિક પોલિસી ઘડી છે અને ઉદ્યોગકારોના સૂઝાવને આધારે તેને વધુ ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડલી બનાવી છે.દેશના પોલિમર ઉત્પાદનમાં ૫૦ ટકાથી વધુ ફાળો ગુજરાતનો છે. એટલું જ નહિં, દેશના ચોથા ભાગનું પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને ગુજરાત મોસ્ટ ઇકોફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઊભરી આવ્યું છે. – તેમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ પ્લાસ્ટિક ઉદ્યોગોના રાજ્યમાં ૧૦ હજારથી વધુ એકમો કાર્યરત છે તેની છણાવટ કરતા ઉમેર્યું કે આમાના અધિકાંશ ઉદ્યોગો MSME સેક્ટરના છે અને ૮૨,૦૦૦ લોકોને રોજગાર અવસર પૂરા પાડે છે. ઔદ્યોગિક રોકાણમાં આ ઉદ્યોગો ૫૫૮૦ કરોડનું રોકાણ ધરાવે છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ પ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮ એક્ઝિબિશન ભવિષ્યની પ્લાસ્ટિક ઉદ્યોગ ઉત્પાદનોની નવી ઊંચાઇઓ પાર કરવા સાથે સામુહિક મંથન-ચિંતન અને નવા આવિષ્કારો માટે દિશાદર્શક બનશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આંતરમાળખાકીય સુવિધા, ગ્રામીણ વિકાસ અને સેવાક્ષેત્રના વિકાસને કારણે આર્થિક માળખું વધુ મજબૂત બન્યું છે. ગુજરાતને પ્લાસ્ટિક કેપિટલ ગણાવતા ઉર્જામંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રો રો-મટિરીયલની ઉપલબ્ધિ બિઝનેસ ફ્રેન્ડલી પોલીસી, શ્રેષ્ઠ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ફેસેલીટી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સબળ અને દ્રષ્ટિવંત નેતૃત્વને કારણે ગુજરાત પ્લાસ્ટિક ઉદ્યોગકારોને આકર્ષવામાં વધુ ને વધુ સફળ થઇ રહ્યું છે. મંત્રીશ્રીએ આગામી વર્ષ ૨૦૨૧નું એક્ઝીબિશન પણ ગુજરાતને આંગણે યોજાય તેવો અનુરોધ પણ કર્યો હતો.            

Share This Article