હિંડનબર્ગના ખુલાસા બાદ એક બાજુ અદાણી જૂથના શેર ધડામ થયા છે ત્યારે હવે અદાણી ગ્રુપને આ રાજ્યની ભાજપની સરકારે પણ મોટો ઝટકો આપ્યો છે. અદાણી ટ્રાન્સમીશન, જીએમઆર તથા ઈનટેલી સ્માર્ટ કંપનીને મળનારું પ્રીપેઈડ સ્માર્ટ મીટર ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. પ્રદેશમાં ૨.૫ કરોડ પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવા માટેના ટેન્ડરનો ખર્ચ ૨૫ હજાર કરોડ રૂપિયાનો હતો. ઉત્તર પ્રદેશમાં મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમે ટેન્ડર રદ કર્યું છે. ફક્ત મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમનું ૫૪૫૪ કરોડનું ટેન્ડર હતું. ટેન્ડરની અંદાજિત રકમ લગભગ ૪૮ થી ૬૫ ટકા વધુ હતી જેના કારણે તેનો શરૂઆતથી જ ભારે વિરોધ હતો. મીટરની કિંમત લગભગ ૯થી ૧૦ હજાર રૂપિયા પડતી હતી જ્યારે અંદાજિત ખર્ચ ૬ હજાર પ્રતિ મીટર હતી. તેમાં મેસર્સ અદાણી પાવર ટ્રાન્સમીશન ઉપરાંત જીએમઆર તથા ઈનટેલી સ્માર્ટ કંપનીએ ટેન્ડરનું પાર્ટ ૨ મેળવ્યું હતું અને તેમને કાર્ય કરવાનો આદેશ અપાયો હતો.
રાજ્ય ઉપભોક્તા પરિષદે મોંઘા મીટર લગાવવાની વાત રજૂ કરી હતી અને પરિષદે નિયામક આયોગમાં અરજી પણ દાખલ કરી. તેની ફરિયાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કરાઈ હતી. તમામ આરોપો વચ્ચે મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમના અધીક્ષણ અભિયંતા ફાઈનાન્સ અશોકકુમારે અદાણી સમૂહનું ટેન્ડર રદ કરી દીધુ. ટેન્ડર રદ કરવા પાછળ ટેક્નિકલ કારણો હોવાનું જણાવાઈ રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટેન્ડર રદ કરવાને રાજ્ય વિદ્યુત ઉપભોક્તા પરિષદે યોગ્ય ઠેરવ્યું છે અને કહ્યું કે મોંઘા ટેન્ડર દ્વારા ગ્રાહકો પર વધુ ભાર પડશે.