હાયર એન્ડ ટેકનીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન-ર૦૧૮ના વિનર્સને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તેઓએ સોશિયલ સેકટર તેમજ આરોગ્ય, શિક્ષણ જેવા જન સમૂહને સ્પર્શતા સીધા વિષયોમાં સમસ્યાઓના જનહિતકારી સમાધાન માટે હેકાથોન જેવી અદ્યતન ટેકનોલોજી વિનિયોગથી યુવાશક્તિને પ્રોત્સાહિત થવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્ર-રાજ્યમાં સમાજજીવનની સમસ્યાઓનું ટેકનોલોજીયુકત અભિગમથી નિવારણ જ નહિ, એ સમસ્યાઓ ઉદભવે જ નહિ તેવા લોંગટર્મ વિઝન અને વિચારની આવશ્યકતા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં આવી ટેકનોલોજીના સથવારે યુવા પેઢી નવિન આવિષ્કરણો, નવી ટેકનોલોજીથી જોડાય તે સમયની માંગ અને આવશ્યકતા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે તેમજ મંત્રીઓ ઇશ્વરભાઇ પરમાર, પરબતભાઇ પટેલ અને વાસણભાઇ આહિર પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પપ ટકા યુવા વસ્તી ધરાવતા દેશમાં યુવાનોની નવીનતમ વિચારશક્તિને વેગ આપીને સમસ્યાઓનું સમાધાન ટેકનોલોજીથી શોધવાની પહેલરૂપે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અને હેકાથોનની લીડ ગુજરાતે લીધી છે.
તેમણે ઉમેર્યુ કે, ગ્લોબલાઇઝેશનને કારણે વિશ્વમાં જે કોઇ સમસ્યા-પ્રશ્નો ઊભા થાય છે તે આપણા ધ્યાનમાં આવે છે પરંતુ આપણી યુવાશકિત તેના આધાર ઉપર ભવિષ્યમાં આવી સમસ્યા ઉદભવે નહિં તેવા સમાધાનો-ઉપાયો ઇનોવેશન્સથી શોધી કાઢે તે પણ આવશ્યક છે.
મુખ્યમંત્રીએ આના દ્રષ્ટાંતો આપતાં કહ્યું કે, શહેરીકરણ, સ્વચ્છતા-સફાઇ, ટ્રાફિક જેવી પાયાની બાબતોની સમસ્યાના નિવારણમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થવો જરૂરી છે.
વિજયભાઇ રૂપાણીએ દરેક સિસ્ટમમાં નવું જોડવા, નવા ઇનોવેશન્સને પ્રેરિત કરવા ર૦૦ કરોડ રૂપિયા એસએસઆઇપી માટે ફાળવ્યા છે તેની ભૂમિકા આપી હતી.