મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય ઘટનાક્રમ રાતોરાત બદલાઇ ગયા બાદ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ સરકાર ફરી એકવાર સત્તારૂઢ થઇ છે તેના કારણે તમામ રાજકીય પંડિતોની બુદ્ધિશક્તિ પણ પરેશાન અને હેરાન છે. રાજકીય પંડિતો પણ આવી કલ્પના અથવા તો ગણતરી કરી રહ્યા ન હતા. આજે એક બાબત તો સાબિત થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિત ગૃહપ્રધાન અમિત શાહના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન, રાજનીતિ અને કુશળતાના મામલે અન્ય પક્ષો કરતા ખુબ આગળ છે.
હવે તો જાણકાર લોકો પણ માની ગયા છે કે કોંગ્રેસ સહિતના વિરોધી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જ્યાં વિચારવાનુ બંધ કરી દે છે ત્યાંથી જ ભારતીય જનતા પાર્ટીનુ નેતૃત્વ પોતાના ખેલની શરૂઆત કરે છે. મહારાષ્ટ્માં જે રાજકીય ઘટનાક્રમનો દોર ચાલ્યો તેનાથી હવે આ બાબત સાબિત થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટીની આ રાજકુશળતાની પ્રશંસા થાય તે જરૂરી છે. ભારતીય રાજનીતિમાં હવે એક નવી બાબત પણ દેખાઇ રહી છે તે એ છે કે હવે વાતચીત કરવાથી કઇ પરિણામ હાંસલ થશે નહીં. પરિણામ મહત્વપૂર્ણ રહેલા છે. એકબાજુ શિવ સેના, કોંગ્રેસ અને એનસીપીના દિગ્ગજો વાતચીતમાં જ ગુમ રહ્યા અને સરકાર રચવા માટેના સપના જોતા રહ્યા હતા અને બીજી બાજુ તમામને ચોંકાવીને ભારતીય જનતા પાર્ટીએ તેમની સરકાર બનાવી લીધી છે. કોંગ્રેસ પાર્ટી આ મહારાષ્ટ્ર મડાગાંઠ મામલે ખુબ સાવધાનીપૂર્વક આગળ વધી રહી હતી. કટ્ટર હિન્દુવાદી શિવ સેનાને સમર્થન આપવા મુદ્દે તેની જમા મુડી ધર્મનિરપેક્ષતાની પ્રતિષ્ઠા દાવ પર હતી.
જો સરકાર બની હોત તો કોંગ્રેસને તો મોટુ નુકસાન જ થનાર હતુ. કારણ કે કોંગ્રેસને આ ઐતિહાસિક ભુલની કિંમત અન્ય રાજ્યોમાં ચુકવવાની ફરજ પડી હોત. કોંગ્રેસ આ ધર્મસંકટથી તો બચી ગઇ છે. જો કે મહારાષ્ટ્રની રાજનીતિમાં જે રીતે પછડાટ રાજકીય દાવથી ભાજપે કોંગ્રેસ અને એનસીપીને આપી છે તે વર્ષો સુધી આ બંને પાર્ટી ભુલી શકશે નહીં. તેમની જે મજાક ભારતીય જનતા પાર્ટીએ કરી છે તેના કારણે તેમના નેતાઓ પણ પરેશાન છ. શરમ અને સન્માન જેવી બાબતો તો રાજનીતિમાં પહેલાથી જ હવે નથી.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવી દેવામાં આવ્યા બાદ હવે અસલી પરીક્ષા થનાર છે. આ ટેસ્ટ ફ્લોર પર થનાર છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટી આના માટે તૈયાર દેખાઇ રહી છે. શિવ સેના અને કોંગ્રેસ તેમજ એનસીપી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને ભાજપના દેવેન્દ્ર ફડનવીસને મુખ્યપ્રધાન પદે શપથ અપાવવાના રાજ્યપાલના નિર્ણયને રદ કરવાની માંગ કરવામાં આવી છે. ફડનવીસ સરકાર હવે બહુમતિ કઇ રીતે સાબિત કરે છે તે બાબતને સમજી લેવાની જરૂર છે. બહુમત માટે ૧૪૫ સભ્યોના સમર્થનની જરૂર છે. ભાજપની પાસે ૧૦૫ સભ્યો છે. ૪૦ સભ્યોના સમર્થનની જરૂર છે. અપક્ષો, અન્ય નાના પક્ષોના ટેકાને પુરતા પ્રમાણમાં ગણી શકાય તેમ નથી. બહુમતિ એ જ વખતે સાબિત થઇ શકે છે જ્યારે એનસીપી, કોંગ્રેસ અને શિવ સેનામાંથી કોઇ સમર્થન કરે.
અથવા તો તેમના સભ્યો પાટલી બદલી નાંખે. પાટલી બદલવામાં આવે તો સભ્યોની સંખ્યા પણ પુરતી રહે તે જરૂરી છે. પક્ષ પલટા કાનુન હેઠળ અયોગ્ય જાહેર થવાથી બચવા માટે એક સાથે ઓછામાં ઓછા બે તૃતિયાંશ સભ્યો તેમની પાટલી બદલે તે જરૂરી છે. ૫૬ ધારાસભ્યો ધરાવતી શિવસેનાના ૩૮, ૫૪ ધારાસભ્યો ધરાવતી એનસીપીના ૩૬ અને ૪૪ ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસના ૩૦ ધારાસભ્યો તુટે તો જ સરકારને રાહત મળી શકે છે. એક રસ્તો એ પણ છે કે આ ત્રણેય પક્ષોના ઓછામાં ઓછા ૩૮ સભ્યો વિધાનસભાના મેમ્મરશીપથી રાજીનામુ આપ દે. જો આવુ થાય તો બહુમતિ માટે ૧૨૬ સભ્યોની જરૂર રહી શકે છે. આવી સ્થિતિ માં નાના પક્ષોનો ઉપયોગ કરીને ભાજપ આંકડાને હાંસલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ આ પ્રકારની સ્થિતિ માં બહુમતિ સાબિત કરવા વધારે સમય આપશે નહી.