જમ્મુ : ભારતીય હવાઇ દળના સરહદ પાર જોરદાર ઓપરેશનના કારણે હચમચી ઉઠેલા પાકિસ્તાને અંકુશ રેખા પર આજે સતત બીજા દિવસે ગોળીબાર જારી રાખ્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જોરદાર જવાબ આપ્યો હતો. જેમાં પાકિસ્તાનની પાંચથી વધારે ચોકીઓ ફુંકાઇ ગઇ છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના સૈનિકો પણ ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાએ માનવ કવચ રૂપે અંકુશ રેખા પર રહેતા લોકોના આવાસ પર મોર્ટાર અને મિસાઇલો ઝીંકી હતી. રાજારી અને પુચ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે.
આજે બીજા દિવસે પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે જવાબી કાર્યવાહીમાં સામાન્ય લોકોને નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં લઇને પાકિસ્તાની ચોકીઓને ટાર્ગેટ બનાવી હતી. ભારતીય સેનાના પાંચ જવાનોને પણ નજીવી ઇજા થઇ છે. ભારતે પોકમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા નજીકના નવશેરા, રાજારી અને અખનુર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ મેંધાર અને પૂંચ જિલ્લાના કૃષ્ણાઘાટી સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો હતો. આજે બીજા દિવસે પાકિસ્તાની સેના દ્વારા ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે ગઇકાલે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા.
ભારતીય હવાઇ દળે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ-આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે.સરહદ પર હાલમાં બાજ નજર રખાઇ છે.