અમદાવાદઃ ફિઝિયોથેરાપી માટે દવાખાના સુધી પહોંચી નહીં શકતા દર્દીઓ અથવા ફિઝિયોથેરાપીની સારવાર લઇ રહેલા દર્દીઓએ વધુ માર્ગદર્શન મેળવવું હશે તેવા દર્દીઓ હવે માત્ર એક જ ફોન કરી ઘેરબેઠા ફિઝિયોથેરાપીસ્ટની સારવાર પ્રાપ્ત કરી શકશે. આ અંગેની સરકારી ફિઝિયોથેરાપિસ્ટ એસોસિયેશન દ્વારા હેલ્પલાઇન ‘અહલ્યા’નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ હેલ્પલાઇન પર ફોન કરવાથી સરકારી ફિઝિયોથેરાપિસ્ટ હવે તમારા આંગણે આવીને સારવાર આપશે.
આ પ્રોજેક્ટનો અમલ અમદાવાદ સહિત રાજ્યભરમાં થઇ ચૂક્યો છે. જે ખાસ કરીને કમર, ઘૂંટણ, ગરદન, ફ્રોઝન શોલ્ડર સહિતના દુખાવા અને સમસ્યામાં દર્દીઓ માટે ફિઝિયોથેરાપીની સારવાર ભારે અસરકારક અને આશીર્વાદ સમાન બની રહેશે. અમદાવાદના શહેરી વિસ્તારમાં ટ્રસ્ટ સહિતનાં સરકારી અર્બન હેલ્થ સેન્ટર વગેરેમાં ફિઝિયોથેરાપીની સારવાર દર્દીઓને નજીવી કિંમતે મળે છે પરંતુ બોપલ, બાવળા, ઘુમા, શીલજ, અડાલજ, ગોતા, ધોળકા, નિકોલ, નરોડા, દહેગામ વગેરે અમદાવાદની આસપાસ આવેલા સ્થળોએ આ સેવા આશીર્વાદ સાબિત થશે, કેમ કે અંતરિયાળ કે ગ્રામ્ય વિસ્તારમાં ફિઝિયોથેરાપીની સારવાર મેળવવાની અનેક મર્યાદા રહેશે. દર્દીએ ૬૩પ૬૧૦૩૭પ૭ નંબર પર કોલ કરવાનો રહેશે. ત્યારબાદ ર૪થી ૪૮ કલાકમાં દર્દીનો ડોક્ટર સામેથી સંપર્ક કરશે.
આ અંગે ગુજરાત ગવર્નમેન્ટ ફિઝિયો થેરાપિસ્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો.હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે પ્રોજેકટ અહલ્યા નામની સેવાનો હેતુ જ્યાં ફિઝિયોથેરાપીની ઓછી સગવડ છે ત્યાં વધુ સેવા પૂરી પાડવાનો છે એટલું જ નહીં અર્બન વિસ્તારમાં ખાસ કરીને અમદાવાદના અનેક દર્દીઓએ ચાલુ સારવારે વધુ માર્ગદર્શન મેળવવા માટે પણ આ હેલ્પલાઇનની મદદ લીધી છે. મિસ્ડકોલ કર્યા બાદ દર્દીનો ફિઝિયોથેરાપિસ્ટ સંપર્ક કરશે અને તેના કેસની જાણકારી મેળવશે ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટ ક્યાં અને કઇ રીતે સારવાર મળશે તે જણાવશે. કેટલાક કેસમાં કેસની ચર્ચા વોટ્સએપ પર પણ કરશે અને વીડિયોચેટ દ્વારા દર્દીને માર્ગદર્શન આપી શકશે. જરૂર પડે દર્દીને સરકારી વાહનમાં જે તે સરકારી સુવિધા ધરાવતા સેન્ટર સુધી પહોંચાડીને ટ્રીટમેન્ટ આપવામાં આવશે.
આ પ્રોજેકટ માટે આગામી સમયમાં આશાવર્કર અને સીએચસીના ઉપયોગથી છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કરાશે. ઉપરાંત સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાઇને સરકારી યોજનાઓથી મળતાં સાધનો જેવાં કે વ્હીલચેર, સ્પીલ્ટન્ટસ, એરબેડ, વોકર, સ્ટીક વગેરે સાધનો પૂરાં પાડવામાં આવશે. આમ, શરીરના વિવિધ અંગોના દુઃખાવા અને તકલીફોથી પીડાતા દર્દીઓ ખાસ કરીને ઉમંરલાયક દર્દીઓ હવે એક ફોનથી ઘેરબેઠા ફિઝિયોથેરાપીસ્ટની સારવાર મેળવી શકશે.