મુંબઇ: શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સ નવેસરની ઉંચી સપાટી ઉપર બંધ રહ્યા હતા. ફાઈનાન્સિયલ અને રિયાલીટીના શેરમાં જોરદાર તેજી જામી હતી. બીએસઈ સેંસેક્સ ૧૩૭ પોઇન્ટ ઉછળીને ૩૮૦૨૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે પ્રથમ વખત ૩૮૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. નિફ્ટી ૨૧ પોઇન્ટ ઉછળીને ૧૧૪૭૧ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો.
ઇન્ટ્રાડેની સોદાબાજી દરમિયાન બીએસઈ સેંસેક્સ ૩૮૦૭૬ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૪.૬૪ ટકનો ઉછાળો રહ્યો હતો જ્યારે એક્સિસ બેંકના શેરમાં ૩.૮૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયાન શેરમાં તેજી રહી હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. ડીએલએફ અને યુનિટેકના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
બેંક ઓફ ઇન્ડિયા ઉપરાંત અલ્હાબાદ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સમાં ૫-૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. આંધ્ર બેંક, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, સિન્ડિકેટ બેંક, પીએનબી અને એસબીઆઈમાં ત્રણથી ચાર ટકા વચ્ચેનો ઉછાળો રહ્યો હતો. ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર તમામની નજર કેન્દ્રિત છે. આ સપ્તાહમાં જુલાઈ ત્રિમાસિક ગાળાના આંકડા મોટી કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આવતીકાલે ૧૦મી આગષ્ટના દિવસે ગેલ ઈન્ડિયા, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેમના રિપોર્ટ કાર્ડ રજુ કરાશે.
આવી જ રીતે ભારત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કેટલીક અમેરિકી ચીજવસ્તુઓ પર વિલંબથી ટેરીફ લાગુ કરવામાં આવનાર છે. ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફને લઈને મતભેદો વધ્યા છે. હાલમાં, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા બાદથી આ મતભેદો વધ્યા છે. ૨૦૧૬માં દ્વિપક્ષીય કારોબારનો આંકડો ૧૧૫ અબજ ડોલરનો હતો પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના પરિણામ સ્વરૂપે આ આંકડો ૩૧ અબજ ડોલર સુધી નીચે પહોંચી ગયો છે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.
દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઉછળીને ૩૭૮૮૮ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઉછળીને ૧૧૪૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા.
આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો.
આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.