વિશ્વની બે મહાસત્તાઓ ગણાતી એવી અમેરિકા અને રશિયા વચ્ચે જાસૂસી મામલે પરસ્પર ઘર્ષણ વધી ગયું છે અને કોલ્ડ વોર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. રશિયા વિશ્વભરના દેશોમાં પોતાના જાસૂસ મોકલી રહ્યું છે અને બાદમાં એ જાસૂસ થકી ધીમુ ઝેર આપી લોકોની હત્યા કરી રહ્યું હોવાના આરોપો સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક આક્રમક પગલુ ભર્યું હતું.
તેઓએ અમેરિકામાં રશિયાના જેટલા પણ ઇન્ટેલિજન્સ અધિકારીઓ હતા તેમને પરત મોકલી દેવાના આદેશ આપ્યા છે. ટ્રમ્પે રશિયાના આશરે 60 જેટલા ગુપ્તચર અધિકારીઓ અને રાજદૂતોને કાઢી મૂક્યા છે. આ ઉપરાંત અહીં રશિયાના હાઇ કમિશનને તાળા મારી દેવાયા છે. માત્ર અમેરિકા જ નહીં યુરોપિયન યુનિયન અને બ્રિટન, જર્મની પણ હવે રશિયાની સામે આવી ગયા છે. અમેરિકા બાદ યુરોપિયન યુનિયનના 14 દેશોએ રશિયાના ડિપ્લોમેટ્સ કે અધિકારીઓને કાઢી મુક્યા છે.
આ ઉપરાંત અન્ય એક શક્તિશાળી દેશ જર્મનીએ પણ રશિયાના આ પ્રકારના વલણનો આક્રામક રીતે વિરોધ કર્યો હતો. અને પોતાના દેશમાંથી રશિયાના અધિકારીઓને કાઢી મૂક્યા હતા. હાલની સ્થિતિ જોતા પશ્ચિમિ દેશો અને યુરોપિયન યુનિયન, બ્રિટન, જર્મની, પોલેન્ડ, લિથુઆનિયા, કેનેડાએ રશિયાની સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કુલ મળી બધા દેશોએ મળીને રશિયાના ૧૨૯ જેટલા રાજદુતો અને અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. ફ્રાંસે પણ રશિયાના ચાર અધિકારીઓની હકાલપટ્ટીનો આદેશ આપ્યો છે.