ભરૂચમાં થોડા દિવસ અગાઉ નબીપુર બ્રિજ નીચે એક વેપારીની કારને આંતરીને કરવામાં આવેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ભરૂચથી નાસી છૂટેલા લૂંટારુઓને વડોદરાથી ઝડપાયા હતા અને મુખ્ય આરોપીઓ તેમજ મુદ્દામાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓના નામ દેવકુમાર નાગર અને મનોજ સોનવણે છે. આ બંને આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે લૂંટના ગુનામાં ધરપકડ કરી છે.આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દેવનાગર કે જે આસ્ટોડિયા વિસ્તારમાં રહે છે. જેને દેવું વધી ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાની વાત તેના મિત્ર નિરવ ઉર્ફે રાજુને કરી હતી. દેવ અને નિરવ છેલ્લા છ મહિનાથી મિત્ર છે. જેથી બંનેએ કોઈ સોનીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. નિરવે દેવને કોઈ એક સોની સોનાના દાગીનાઓ લઈને જે જગ્યાએ વેચવા માટે જાય ત્યાં સુધીની રેકી કરવા માટેની જાણ કરી હતી. જેથી દેવે રેકી કરતા જાણવા મળ્યું હતું કે માણેકચોકના એક વેપારી ૨૨ જૂને સવારે અમદાવાદથી ગાડી મારફતે સોનાના દાગીના વેચવા જવાનો છે. તેથી તેની પાસે રહેલા દાગીનાની લૂંટ કરવાનો પ્લાન આરોપીઓ બનાવ્યો હતો.લૂંટની ઘટનાને અંજામ આપવા આરોપી નિરવે દેવને નાસિકના મનોજ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. જ્યારે લૂંટ કરવા માટે દેવ તેના ઓળખીતા જીત રાજપુત પાસેથી એક દિવસ માટે ગાડી ભાડે લઈને વેપારીનો પીછો કર્યો હતો.
બીજી તરફ મનોજ તથા અન્ય આરોપી સંદીપ પટેલ, કરણ પટેલ અને આશિષ વાઘ નાસિકથી ભરૂચ પહોંચ્યા હતા.બાદમાં તમામ લોકોએ બે અલગ અલગ કારમાં ૨૨ જૂનના દિવસે સોનાના વેપારીની ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ લૂંટ કરવામાં તેઓ સફળ થયા ન હતા. જ્યારે ૨૩ જૂને બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ સોની વેપારીની ગાડીની ઓવરટેક કરી ભરૂચ નબીપુર બ્રિજ નીચે ગાડી રોકી ફરિયાદીને ચાકુ તેમજ બંદૂક બતાવીને તેમની પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ અને બે મોબાઈલ લુંટીને ફરાર થયા હતા.લૂંટ બાદ બંને અલગ અલગ ગાડીઓમાં લૂંટારુઓ નાસી ગયા હતા.
જોકે, ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા પોલીસે નાકાબંધી કરી હતી. જે બાદ એક કાર વડોદરા પોલીસે ઝડપી પાડી હતી અને તેમાંથી ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. બીજી કાર કે જેમાં અમદાવાદથી ગયેલા દેવ પાસે લૂંટ કરાયેલી બેગ હતી તે કારને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી હતી.પોલીસે બે આરોપી તેમજ બેગમાં રહેલું સોના સહિત રૂપિયા ૧.૨૧ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે નિરવ ઉર્ફે રાજુએ દેવને રૂપિયા ૩ લાખ જ્યારે અન્ય આરોપીઓને ૫-૫ લાખ આપવાનું નક્કી કર્યું હતું. હાલ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.