વોશિંગ્ટન: મુંબઈમાં ૨૬-૧૧ હુમલાના કાવતરાખોર પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક ડેવિડ કોલમન હેડલી ઉપર જીવલેણ હુમલો થયો હોવાના અહેવાલને તેમના વકીલે રદિયો આપ્યો છે. તેમના વકીલે કહ્યું છે કે, શિકાગોની ફેડરલ જેલમાં ૩૫ વર્ષની સજા કાપી રહેલા હેડલી ઉપર હુમલા અંગેના અહેવાલ ખોટા છે. હેડલીના વકીલ જ્હોન થીસે કહ્યું છે કે, હેડલી પર કોઇ હુમલો થયો નથી. સારવાર માટે પણ દાખલ નથી.
મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, હેડલી ઉપર જેલમાં કેદીઓ દ્વારા હુમલો કરાયો હતો અને તેને ગંભીર ઇજા થઇ હતી. થીસે કહ્યું હતું કે, તે નિયમિત રીતે હેડલી સાથે વાત કરી રહ્યો છે. ભારતીય મિડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ આધાર વગરના છે. બીજી બાજુ અમેરિકી અધિકારીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં એવા અહેવાલ આવ્યા હતા કે, હેડલી પર મુળભૂત રીતે આઠમી જુલાઇના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. હેડલી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા અને ઇસ્લામી ત્રાસવાદી સંગઠનો વચ્ચે ડબલ એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો.મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેલમાં કરવામાં આવેલા હુમલામાં ડેવિડ હેડલીને ગંભીર ઇજા થઇ હતી. તેને ૨૪ કલાકની સતત નિરીક્ષણ હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે હાલમાં નોર્થ ઇબેન્સ્ટન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે હેડલી પર હુમલો કરનાર બંને સગા ભાઇઓ હતા. આ બંને કેટલાક વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાના મામલે જેલની સજા ભોગવી રહ્યા છે. ડેવિડ કોલમન હેડલીનુ અસલી નામ દાઉદ સૈયદ ગિલાની છે. તેનો જન્મ અમેરિકામાં થયો હતો. તેના પિતા સૈયદ સલીમ ગિલાની પૂર્વ પાકિસ્તાની ડિપ્લોમેટ હતા.