લંડન : આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત હવે ૩૦મીથી થઇ રહી છે ત્યારે કેટલાક રેકોર્ડની ચર્ચા જોવા મળી રહી છે. વર્લ્ડ કપમાં સૌથી ઘાતક સ્પેલના નવા રેકોર્ડ સર્જાશે કે પછી વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયનના ઝડપી બોલર ગ્લેન મેકગ્રાથના નામ પર રહેલા સૌથી ઘાતક સ્પેલનો રેકોર્ડ ફરી અકબંધ રહેશે તેની ચર્ચા છે. ફ્લેશ બેકમાં જોવામાં આવે તો કહી શકાય છે કે ઓસ્ટ્રેલિયાના આ સ્પીડ સ્ટારે વિશ્વ કપમાં હજુ સુધી સૌથી વધારે ૭૧ વિકેટ ઝડપી છે. તેના આ રેકોર્ડને આજ સુધી કોઇ બોલર તોડી શક્યા નથી. વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઘાતક સ્પેલનો રેકોર્ડ તેમના નામ પર છે. મેકગ્રાથે વર્ષ ૨૦૦૩માં નામિબિયા સામે સાત ઓવરમાં ૧૫ રન આપીને સાત વિકેટ ઝડપીને જોરદાર તરખાટ મચાવ્યો હતો. આ સ્પેલમાં તેની ચાર મેઇડન ઓવર પણ હતી.
ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં નામિબિયા સામે જીતવા માટે ૩૦૨ રનનો મોટો પડકાર ફેંક્યો હતો. જા કે મેકગ્રાથની ઘાતક બોલિંગના કારણે નામિબિયાની ટીમ માત્ર ૪૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેકગ્રાથ બાદ સૌથી ઘાતક સ્પેલનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જ એન્ડી બિશેલના નામ પર છે. બિશેલે વર્ષ ૨૦૦૩ના વર્લ્ડ કપમાં જ ઇંગ્લેન્ડ સામે ૧૦ ઓવરમાં ૨૦ રન આપીને સાત વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. બે નજીકની હરિફ ટીમો વચ્ચે રમાયેલી મેચમાં એન્ડી બિશેલે શાનદાર બોલિંગ કરીને સાત વિકેટ ઝડપી હતી. ખાસ બાબત એ છે કે ઇંગ્લેન્ડના માત્ર આઠ વિકેટ પડી હતી. જે પૈકી બિશેલે સાત વિકેટ ઝડપી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી. વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ન્યુધીલેન્ડના ટીમ સાઉથીએ ઇંગ્લેન્ડની સામે રમાયેલી મેચમાં નવ ઓવરમાં ૩૩ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. સાઉથીએ સ્વિંગ લેતી યોર્કરની સાથે તરખાટ મચાવી દીધો હતો.
તેની ઘાતક બોલિંગના કારણે ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૧૨૩ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડે આ મેચ આઠ વિકેટે જીતી લીધી હતી. વર્ષ ૧૯૮૩ના વર્લ્ડ કપમાં વેસ્ટન ડેવિસે ૧૦ ઓવરમાં સાત વિકેટે ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ડેવિસે આ કમાલ કરી હતી. ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ એક વખતે એક વિકેટ ગુમાવીને ૫૫ રન બનાવી લીધા હતા. જો કે ત્યારબાદ ડેવિસ આક્રમક પર આવ્યો હતો. આ મેચ પહેલા માત્ર એક વનડે મેચ રમનાર ડેવિસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની હાલત કફોડી કરી દીધી હતી. વિન્ડીઝે આ મેચ ૧૦૧ રને જીતી લીધી હતી. ઘાતક સ્પેલની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના ગેરી ગિલમોરે ઇંગ્લેન્ડ સામે ૧૯૭૫ના વર્લ્ડ કપમાં ૧૨ ઓવરમાં છ વિકેટ ઝડપી હતી. આ વખતે વર્લ્ડ કપમાં અનેક ખતરનાક બોલરો મેદાનમાં ઉતરી રહ્યા છે. જેમની પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મેકગ્રાથના રેકોર્ડને કોઇ બોલર આ વખતે પણ તોડી શકશે કે કેમ તેને લઇને ચર્ચા છે. આ વખતે બુમરાહ, ભુવનેશ્વર કુમાર સહિતના ભારતીય બોલરો પાસેથી પણ ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.