અમદાવાદ : સને ૧૯૩૦માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દાંડીમાં મીઠાના સત્યાગ્રહની પળો સહિતની કંઇક કેટલીય ઐતિહાસિક વાતો અને દ્રશ્યોને કેમેરામાં કંડારનાર જાણીતા વિદેશી ફોટોગ્રાફર વોલ્ટર બોસાર્ડના યાદગાર ફોટોગ્રાફ્સનું અનોખુ પ્રદર્શન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં એક મહિના માટે ખૂલ્લુ મૂકાયું છે. વોલ્ટર બોસાર્ડ દ્વારા મહાત્મા ગાંધીજી અને માઓ ઝેદોંગની એ જમાનામાં ખેંચેલી કેટલીક બહુ જ દુર્લભ કહી શકાય તેવી તસ્વીરો આ પ્રદર્શનમાં જાવા મળશે, જેને જાવી ખરેખર એક લ્હાવો કહી શકાય.
ગુજરાતમાં મહાત્મા ગાંધીની દુર્લભ તસ્વીરોનું આ પ્રકારનું અનોખુ પ્રદર્શન સૌપ્રથમવાર યોજાઇ રહ્યું એમ અત્રે નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ અને આ પ્રદર્શન શોના કો કયુરેટર ગાયત્રી સિંહા(ક્રિટિકલ કલેકટીવના ડાયરેકટર અને સ્થાપક)એ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વોલ્ટર બોસાર્ડના ફોટોગ્રાફ્સના એકઝીબીશન પ્રોજેકટમાં મહાત્મા ગાંધી અને માઓ પરના ૫૩ આઇકોનીક પોર્ટેઝન દર્શાવાયા હતા. મહાત્મા ગાંધીની હત્યાનાં ૭૦ વર્ષ બાદ વોલ્ટર બોસાર્ડનાં ફોટોગ્રાફ્સ સ્વતંત્રતા ચળવળ, ૧૯૩૦માં દાંડીમાં મીઠાનો સત્યાગ્રહ અને તેના નેતાનાં વ્યક્તિત્વ પર નવો જ પ્રકાશ ફેંકે છે. પ્રતિષ્ઠિત ફોટોગ્રાફર્સ હેનરી કાર્ટિયર-બ્રેસન અને માર્ગારેટ બુર્ક-વ્હાઈટનાં ભારત આગમન પહેલા વોલ્ટર બોસાર્ડે ફોટોગ્રાફસ ખેંચ્યા હતા. વોલ્ટર બોસાર્ડ થોડા વર્ષોબાદ માઓ ઝેદોંગ અને રેડ આર્મી ટ્રેનીંગનાં દસ્તાવેજીકરણ માટે ચીનનાં પ્રવાસે ગયા હતાં.
કો-ક્યુરેટર્સ ગાયત્રી સિંહા અને પીટર ફુંડર સંયુક્તપણે ગાંધી અને માઓનાં રેર આર્ચાઈવ્ઝને નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં લાવ્યા છે. નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ અને આ પ્રદર્શન શોના કો કયુરેટર ગાયત્રી સિંહા(ક્રિટિકલ કલેકટીવના ડાયરેકટર અને સ્થાપક)એ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં પ્રથમવાર જ આ ફોટોગ્રાફસ જોવા મળશે. સ્વીસ ફોટોગ્રાફર વોલ્ટર બોસાર્ડ (૧૮૯૨-૧૯૭૫) ફોટો જર્નાિલઝમનાં ક્ષેત્રમાં પ્રણેતા રહ્યા હતાં. સ્વીત્ઝર્લેન્ડનાં ફોટોગ્રાફિક વારસાની સંભાળ માટે વિન્ટરથ્રુર (ઝુરિચ)માં ૧૯૭૧માં સ્થપાયેલા સ્વીસ ફાઉન્ડેશન ફોર ફોટોગ્રાફી દ્વારા વોલ્ટર બોસાર્ડનાં આર્ચાઈવ્સની જાળવણી કરવામાં આવે છે. બોસાર્ડે માર્ચ ૧૯૩૦માં તેમણે એશિયાની આઠ માસની યાત્રા શરૂ કરી, કાર દ્વારા ૨૦,૦૦૦ કિલોમીટરની સફર કરી હતી.
વોલ્ટર બોસાર્ડે મહાત્મા ગાંધીને અંગત પરિસ્થિતિઓમાં ડુંગળીનો સુપ પીતા, દાઢી કરતા અને નિંદ્રા માણતા સહિતની પળોમાં કેમેરામાં કંડારી લીધા હતા. બોસાર્ડનાં અનોખા પોર્ટેઈટ્રેસનો લોકોએ વખાણ્યા હતાં. એ પછી બોસાર્ડે ભારતથી છેક ચીનનો પ્રવાસ ખેડ્યો. ૧૯૩૮માં તેમણે ચીનની મુલાકાત લીધી અને માઓ ઝેદોંગ પર પ્રથમ મુંગી ફિલ્મ બનાવી. વોલ્ટર બોસાર્ડ ૧૯૩૩થી ૧૯૩૯નાં સમયગાળામાં ચીનમાં રહ્યા. તેમણે આ સમયમાં દૈનિક જીવનશૈલી, હેકોઉ પરનાં બોમ્બીંગ અને ચીનના નોમાદીક સમુદાયને કેમેરામાં કેદ કર્યા. વધારે મહત્વનું એ છે કે તેમણે યાનાનની ગુફાઓમાં માઓ ઝેંદોગને ફોટોગ્રાફસમાં કંડાર્યા. વોલ્ટર બોસાર્ડનાં ફોટો ગ્રાફસનાં એક્ઝિબિશન પ્રોજેકટનાં સહ નિર્માતા ફોટોસ્ટીફરીંગ સ્વીઝ (વિન્ટરથુર) અને કિટિકલ કલેકટીવ (દિલ્હી) છે. વોલ્ટર બોસાર્ડનાં આ દુર્લભ ફોટોગ્રાફસનું પ્રદર્શન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં તા. ૧૦ ફેબ્રુઆરી,૨૦૧૯ સુધી ચાલશે, જે જાવું દેશવાસીઓ માટે ખરેખર એક લ્હાવો છે.