રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ કે રેલ્વેના કિનારે તમને ઘણા એવા બાળકો દેખાશે જે ભીખ માંગતા હશે અથવા તો કચરો ઉઠાવતા હશે. આમાંથી ઘણા છોકરા ઘરેથી ભાગીને આવેલા હોય છે અને ઘણા તેમના પરિવારથી છૂટા પડેલા હોય છે. આવા છોકરાઓ ખોટા હાથમાં પડે તે સંભવિત છે. તેથી રેલ્વે પ્રશાસન જ આવા બાળકોનું ખાસ ધ્યાન રાખશે. સાથે જ જે બાળકો તેમના પરિવારથી વિખૂટા પડી ગયેલા છે, તેમને તેમના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ રેલ્વે જ ઉઠાવશે.
આ મુદ્દે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સાથે મળીને રેલ્વે પ્રશાસને આ કામ શરૂ કર્યુ છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર આયોજીત આ કાર્યક્રમમાં રેલ્વે બોર્ડ અધ્યક્ષ અશ્વની લોહાની અને એન.સી.પી.સી.આરની અધ્યક્ષ સ્તુતિ કક્કર હાજર હતા. તેમની આગેવાનીમાં આ કામનો પ્રારંભ થયો છે.
તેમણે જણાવ્યુ હતુ કે, રેલ્વેમાં એકલા ફરતા બાળકો અથવા તો રેલ્વે સ્ટેશન કે પ્લેટફોર્મ પર ફરતા બાળકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની જવાબદારી રેલ્વેની રહેશે. જો આ બાળકો ખોટા હાથમાં લાગી જશે તો તેમની સાથે કંઇ પણ થઇ શકે છે. માટે રેલ્વે પ્રશાસને આ કદમ ઉઠાવ્યો છે.