દુનિયાભરમાં અત્યારે ગ્લોબલ વૉર્મિંગને કારણે અણઘાર્યા ઋતુ પરિવર્તનો આવી રહ્યાં છે. રણમાં વરસાદ પડે તો વળી ગાઢ જંગલોમાં આગ લાગે છે. આ બધા ફેરફારના મૂળમાં હવામાં વધતો કાર્બન ડાયોક્સાઈડ છે. માટે આંતરરાષ્ટ્રીય ધોરણે વિવિધ સંધિ દ્વારા હવામાં કાર્બનનું પ્રમાણ મર્યાદિત થાય એ માટેના પ્રયાસો પણ થયા છે. એમ છતાંય હવામાં ઠલવાતો કાર્બન ઓછો થયો નથી. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
આજે હવાઈ ટાપુ ખાતે આવેલી ‘માઉના લોઆ ઓબ્ઝર્વેટરી’ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા આખી દુનિયા માટે આઘાતજનક છે. કેમ કે ધરતીના હવામાનમાં છેલ્લા ૮ લાખ વર્ષ દરમિયાન જેટલા પ્રમાણમાં કાર્બન નથી નોંધાયો તેટલો અત્યારે વર્તમાન સમયમાં નોંધાયો છે. એટલે કે હવામાં કાર્બનનું પ્રમાણ માનવ ઈતિહાસમાં અત્યારે સૌથી વધુ છે. ઔદ્યોગિકરણ, પ્રદૂષણ વગેરેને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડ વધતો રહે છે. પણ હવામાં કાર્બનનું વધુ પ્રમાણ પૃથ્વીના અને પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
એપ્રિલ માસ દરમિયાન હવામાં સરેરાશ દર દસ લાખ (પાર્ટ્સ પર મિલિયન-પીપીએમ)કણદીઠ કાર્બનના ૪૧૦ કણ નોંધાયા છે. એટલે કે હવામાં હર-ફર કરતા વિવિધ પ્રકારના દસ લાખ કણમાંથી ૪૧૦ કણ કાર્બન ડાયોક્સાઈડના છે. કાર્બનનું હવામાં આ પ્રમાણ ખુબ જ ઊંચુ છે. ૧૯મી સદીમાં ઔદ્યોગિ ક્રાંતિ થઈ પહેલા હવામાં સરેરાશ કાર્બનના કણો ૩૦૦ પીપીએમ હતા.
ક્રાંતિ પછી આખી દુનિયામાં ઉદ્યોગો વધ્યા એટલે કાર્બનનું પ્રમાણ પણ વધ્યું છે. ૪૧૦ કણ એ એપ્રિલ મહિનાના સરેરાશ છે. એમાં પણ ૨૯મી એપ્રિલે તો કાર્બનનું રિડિંગ ૪૧૧.૨૪ પીપીએમ નોંધાયુ હતુ. ૧૯૫૮થી નિયમિત રીતે હવામાં કાર્બનનું પ્રમાણ નોંધવામાં આવે છે. એ વર્ષે ૩૧૫ પીપીએમ કાર્બન કણો નોંધાયા હતા. એ પ્રમાણ વધતું વધતું ૨૦૧૩માં પહેલી વખત ૪૦૦ પીપીએમ ઉપર પહોંચ્યુ હતુ. આ પહેલા અંદાજે ૩૦થી ૫૦ લાખ વર્ષ પહેલાનો સમય એવો હતો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ૪૦૦ પીપીએમથી વધારે હતું. પરંતુ છેલ્લા આઠ લાખ વર્ષમાં તો આ પહેલો કિસ્સો છે. વચ્ચેના સમયગાળાનો પુરતો ડેટા સંશોધકો પાસે ઉપલબ્ધ નથી.