રખડતા ઢોરની સમસ્યા હજુ અકબંધ : નોંધણીમાં દુવિધા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: હાઈકોર્ટના કડક આદેશ છતાં શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને ગાયોનો ત્રાસ હજુ ઓછો થયો નથી. અનેક વિસ્તારમાં ગાયોના ધણ બિન્દાસ્ત રીતે રસ્તા પર અડિંગો જમાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કડક કાર્યવાહી થતી હોય તેમ દેખાતું નથી, જેને પગલે હાઇકોર્ટના વારંવારના આદેશો છતાં શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા જૈસે થે રહી છે. તો બીજીબાજુ, શહેરમાં રખડતા ઢોર, ગાય સહિતના પશુઓનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું હોવાછતાં તેની નોંધણીમાં પશુમાલિકો ગંભીર ઉદાસીનતા દાખવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અંદાજે ૪૫ હજારથી વધુ ગાય સહિતનું પશુધન છે પરંતુ તા.૧લી સપ્ટેમ્બરથી શરૂ થયેલી નોંધણીમાં હજુ માંડ ૧૧૦૦ પશનું જ રજિસ્ટ્રેશન નોંધાયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પશુપાલકોને તેમના ગાય સહિતના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ગત તા.૧ સપ્ટેમ્બરથી હાથ ધરાઇ છે. હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ શહેરના હદ વિસ્તારમાં વસતા પશુપાલકો માટે ગાય સહિતના ઢોર સંબંધિત રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. તેમ છતાં પશુપાલકોમાં રજિસ્ટ્રેશન અંગે ખાસ ઉત્સાહ નજરે પડતો નથી. જીપીએમસી એકટ તેમજ હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ તંત્ર દ્વારા સિવિક સેન્ટરમાં ગાય સહિતના ઢોરના રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે. આ રજિસ્ટ્રેશન માટેની અરજી સિવિક સેન્ટરમાંથી મળતી હોઇ પ્રતિ પશુદીઠ રૂ.ર૦૦ની રજિસ્ટ્રેશન ફી રખાઇ છે. જોકે શહેરના હદ વિસ્તારમાં વસતા પશુપાલકોમાં રજિસ્ટ્રેશન મામલે ઉદાસીનતા જોવા મળી છે.

એક અંદાજ પ્રમાણે શહેરમાં ૪પ૦૦૦થી વધારે ગાય સહિતના પશુ છે પરંતુ આજદિન સુધીમાં માત્ર ૧૧૦૦ પશુનું રજિસ્ટ્રેશન કરાયું છે. જાણકાર સૂત્રો કહે છે ગાય સહિતના પશુની ઓળખ માટેનું ઓળખપત્ર પશુને લગાવવાનું ફરજિયાત હોઇ રજિસ્ટ્રેશન વગરના પશુઓને તંત્ર જપ્ત કરીને તેમના પશુપાલકો સામે કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત નિર્ધારિત સમય બાદ પકડાયેલા પશુઓને છોડાવવા માટે રજિસ્ટ્રેશન નંબર જરૂરી છે. આગામી તા.૩૦ સપ્ટેમ્બર રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે. ગત તા.૮ ઓગસ્ટથી પશુપાલકો પોતાના ગાય સહિતના પશુ રસ્તા પર છૂટા ન મૂકે તે માટે દંડની જોગવાઇમાં ર૦૦ ટકા જેટલો વધારો કરાયો હોઇ ગત તા.૮ ઓગસ્ટથી તા.૧પ સપ્ટેમ્બર સુધી તંત્રને દંડની આવક પેટે રૂ.ર૪.૬૦ લાખથી વધુ નાણાં મળ્યા છે.

Share This Article