નવા વર્ષમાં પગાર વધારાની સંભાવના ઓછી છે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આર્થિક વૃદ્ધિદરમાં જારી રહેલા ઘટાડાના દોર વચ્ચે ૨૦૧૯માં બજારમાં સુસ્તી રહી છે. સાથે સાથે આગામી વર્ષે પણ સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી વર્ષે પણ રોજગાર બજારમાં શ્રમબળ વિસ્તાર સુસ્ત રહે તેવી શક્યતા છે. સાથે સાથે પગાર વધારો પણ ખાસ રહેશે નહી. આગામી વર્ષે પણ રોજગારમાં વધારાની કોઇ શક્યતા દેખાઈ રહી નથી. આનુ કારણ એ છે કે, કંપનીઓ નવી નિમણૂંક કરવાના બદલે કંપનીઓ વર્તમાન કર્મચારીઓની કુશળતાને વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઔદ્યોગિક આધારિત ફેરફાર સતત જારી છે.

આવી સ્થિતિમાં કંપનીઓ નવી નિમણૂંકોને લઇને સાવચેતી રાખી રહી છે. ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશનના અધ્યક્ષ રુતુપર્ણા ચક્રવર્તીનું કહેવું છે કે, રોજગારીની દ્રષ્ટિએ વર્ષ ૨૦૨૦માં સ્થિરતા રહેશે તેમાં નજીવો સુધારો થશે. જીડીપી અને અન્ય મહત્વપૂર્ણ આર્થિક સંકેત હજુ પણ ગતિ પકડી રહ્યા નથી. આવી સ્થિતિમાં આ જોવા લાયક બાબત રહેશે કે મૂડીરોકાણમાં વધારો થાય છે કે કેમ. જો વધારો થાય છે તો અમે રોજગારમાં પણ વધારાની આશા કરી શકીએ છીએ.

જો ઉદ્યોગોની વાત કરવામાં આવે તો જે સંગઠનોમાં રોજગારી વધી છે તેમની સંખ્યા ઓછી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, બજારમાં કુશળ લોકોની જરૂરિયાત યથાવત દેખાઈ રહી છે. એક્ઝીક્યુટીવ કંપની ગ્લોબલ હન્ટ ઇન્ડિયાના અધિકારી સુનિલ ગોયેલે કહ્યું છે કે, ૨૦૨૦ના શરૂઆતી ત્રિમાસિક ગાળામાં સ્થિતિ વધારે રોમાંચક રહેશે નહી. કારણ કે, જીડીપીનો દર ઘટી ગયો છે. કંપનીઓ વિસ્તારને લઇને સાવચેતી રાખી રહી છે.

જોકે, ૨૦૨૦ના બીજા ત્રિમાસિક ગાળામાં નોકરીની તકો વધુ સારી રહી શકે છે. કારણ કે, કંપનીઓ નવેસરથી કારોબાર વિસ્તરણ ઉપર ધ્યાન આપી શકે છે. ૨૦૧૯માં ઓટો મોબાઇલ, કન્સ્ટ્રક્શન અને એન્જીનિયરિંગ ક્ષેત્રોમાં રોજગારની તકો ઓછી રહી છે.

આ ઉપરાંત સરહદપારથી તંગદિલીના કારણે પણ બજારમાં સુસ્તી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નિમણૂંકોની દ્રષ્ટિથી ૨૦૨૦ માટે અમારો અંદાજ છે કે, તેમાં વધુ ઘટાડો થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું છે કે, કંપનીઓને પોતાના કાર્યબળને વધારે વિસ્તરણ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આગામી દિવસોમાં એટલે કે નવા વર્ષમાં રોજગારીને લઇને ચિત્ર વધારે સુધરે તેવા સંકેત ઓછા દેખાઈ રહ્યા છે.

Share This Article