વડાપ્રધાને કેવડિયામાં સરદાર પટેલને નમન કર્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પ અર્પણ કર્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે ગુજરાતના કેવડિયા પહોંચ્યા. અહીં પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યા અને તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પ અર્પણ કર્યા. કેવડિયામાં સંબોધન કરતા પીએમ મોદીએ મોરબીમાં ઘટેલી ગોઝારી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે હું એક્તા નગરમાં છું, મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. એક બાજુ કરુણાથી ભરેલું પીડિત હ્રદય છે તો બીજી બાજુ કર્તવ્ય પથ છે. જે લોકોએ પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સરકાર દરેક રીતે પીડિત પરિવારોની સાથે છે. ગુજરાત સરકાર ગઈ કાલ સાંજથી જ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.

કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને દરેક શક્ય મદદ થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ઘાયલોની સારવાર હોસ્પિટલોમાં સતત ચાલુ છે. અકસ્માતની જાણ થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ તરત મોરબી પહોંચી ગયા હતા. તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી આવવા નહીં દેવાય.

રાષ્ટ્રીય એક્તા દિવસ આપણને આ દુખની ઘડીમાં એકજૂથ થઈને પોતાના કર્તવ્ય પથ પર રહેવાની સંવેદના આપી રહ્યો છે. રાહત બચાવ કાર્યમાં સેના અને વાયુસેના લાગેલા છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીઓ થાય તે પ્રાથમિકતા અપાઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૨૨માં રાષ્ટ્રીય એક્તા દિવસને બહુ વિશેષ અવસર તરીકે હું જોઈ રહ્યો છું. આ એ વર્ષ છે જ્યારે આપણે આઝાદીના ૭૫ વર્ષ પૂરા કર્યા છે. આપણે નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છીએ.

જો ભારત પાસે સરકાર પટેલ જેવું નેતૃત્વ ન હોત તો શું થાત? જો ૫૫૦થી વધુ રજવાડા એકજૂથ ન થઈ શક્યા હોત તો શું થાત? આપણા મોટાભાગના રાજા રજવાડા  ત્યાગની પરાકાષ્ઠા ન દેખાડત તો આજે  આપણે જે ભારત જોઈ રહ્યા છીએ તેની આપણે કલ્પના પણ ન કરી શકત. આ કાર્ય સરદાર પટેલે જ સિદ્ધ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભૂતકાળની જેમ જ ભારતના ઉત્થાનથી પરેશાન થનારી તાકાતો આજે પણ હાજર છે. જાતિઓના નામે આપણને લડાવવા માટે ભાત ભાતના નરેટિવ બનાવવામાં આવે  છે. ઈતિહાસને પણ એવી રીતે રજૂ કરાય છે કે જેનાથી દેશ  જોડાય નહીં અને દૂર ઈ જાય. અનેકવાર આ તાકાત ગુલામીની માનસિકતા તરીકે આપણી અંદર ઘર કરી જાય છે. અનેકવાર તે તૃષ્ટિકરણ તરીકે, ક્યારેક પરિવારવાદ તરીકે, ક્યારેક લાલચ અને ભ્રષ્ટાચાર તરીકે દરવાજા પર દસ્તક આપે છે. જે દેશને વહેંચે છે અને નબળો બનાવે છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે ગુજરાતમાં ગઈકાલે જે ઘટના ઘટી તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. સૌથી પહેલા હું દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જે લોકોના મૃત્યુ થયા છે તેમને શાંતિ મળે.

Share This Article