એફપીપીપીએ- ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વર્ષમાં દર ત્રિમાસિક ગાળે એકવાર વીજદરમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાંય વીજદરમાં છેલ્લા દસ વર્ષથી કોઈ જ વધારો ન કરવામાં આવ્યો હોવાનો પોકળ દાવો ગુજરાતના ઊર્જા મંત્રી સૌરભ દલાલ કરી રહ્યા છે. આ ફોર્મ્યુલા હેઠળ યુનિટ દીઠ ૬૧ પૈસા લેવાતા હતા, તે છેલ્લા થોડાક જ વર્ષમાં વધીને રૂ. ૧.૭૧ થઈ ગયા છે. એફપીપીપીએના દરમાં યુનિટદીઠ રૃા.૧.૧૦નો વધારો આવી ગયો છે. વીજ ઉત્પાદન માટે વપરાતા ઇંધણના દરમાં થતાં ફેરફારને આધારે એફપીપીપીએના ચાર્જમાં દર ત્રણ મહિને ફેરફાર કરવામાં આવે છે. તેની સાથે વીજળીની ડિમાન્ડ વધી જાય ત્યારે બહારથી વીજળી ખરીદીને ગુજરાતના વપરાશકારોને સપ્લાય આપવામાં આવે છે જેના લીધે વીજ ખરીદીના દરમાં થતાં વધારાનો બોજ પણ વીજવપરાશકારોને માથે નાંખવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં રહેઠાણ વિસ્તારનું વીજજોડાણ ધરાવતા અને મહિને માત્ર ૨૦૦ યુનિટ વીજળીનો વપરાશ ધરાવનારા ગ્રાહકોના વીજ બિલમાં છેલ્લા દસ વર્ષમાં ૩૮.૫ ટકાનો જંગી વધારો થયો છે.
વીજપુરવઠો આપતી ચાર વીજ વિતરણ કંપનીઓ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ પોતાની રીતે ત્રણ મહિને યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો પૂછ્યા વિના પણ કરી શકે છે. તેનાથી વધુ રકમના વધારા માટે તેમણે ગુજરાત વીજ નિયમન પંચ પાસેથી પૂર્વમંજૂરી લેવી પડે છે. ગુજરાતમાં દેશના અન્ય રાજ્યની તુલનાએ વીજદર સૌથી વધુ છે. ગુજરાત પછીના ક્રમે મહારાષ્ટ્ર આવે છે.
ગુજરાતમાં સ્થિતિ એવી છે કે ખેડૂતોને સબસિડાઈઝ એટલે કે ઓછા દરે વીજ પુરવઠો આપવામાં આવે છે. આ સબસિડીનો બોજ શહેરી વિસ્તારના ગ્રાહકોને માથે નાખવામાં આવે છે. ખેડૂતોને અપાતી વીજળીના નીચા દરથી જતી ખોટ સરભર કરવા માટે જ ઇલેક્ટ્રિસિટી ડયૂટી પણ લગાડવામાં આવેલી છે. વીજદર બે હિસ્સામાં વિભાજિત થયેલા છે. તેમાં ફિક્સ ડિમાન્ડ ચાર્જ અને વેરિયેબલ ચાર્જનો સમાવેશ થાય છે. વેરિયેબલ ચાર્જમાં ફ્યુઅલ ચાર્જમાં થતી વધઘટને કારણ લાગતા ચાર્જનો સમાવેશ થાય છે.
તદુપરાંત વીજ ગ્રાહકે કેટલો લોડ લીધો છે તેને આધારે તેની પાસેથી ફિક્સ્ડ ડિમાન્ડ ચાર્જ લેવામાં આવે છે. વીજવપરાશના યુનિટદીઠ તેમની પાસેથી વેરિયેબલ ફ્યુઅલ ચાર્જ પણ લેવામાં આવે છે. તેમ જ યુનિટદીઠ એફપીપીપીએ પણ વસૂલવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે દર મહિને મીટરભાડું પણ લેવામાં આવે છે. બિલની કુલ રકમ પર ઇલેક્ટ્રિસિટી ડયૂટી પણ વસૂલવામાં આવે છે.
વાસ્તવમાં માત્ર વીજ યુનિટના વપરાશના ચાર્જ પર જ ઇલેક્ટ્રિસિટી ડયૂટી વસૂલ કરવાની હોય છે, પરંતુ ગુજરાત સરકાર તમામ ચાર્જને ભેગા કરીને તેના પર ઇલેક્ટ્રિસિટી ડયૂટી લગાડે છે. આ રીતે વીજ બિલમાં કરોડોનો વધારાનો બોજ નાખી રહી છે.