અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે ડોમેસ્ટિક એરપોર્ટ લેવાતા તગડા પાર્કિંગ ચાર્જના એરપોર્ટ સંકુલમાં આવનજાવન કરતા હજારો પ્રવાસીઓ કે તેમને મૂકવા આવતા સગાંસંબંધીઓમાં ઉગ્ર રોષ અને નારાજગી પ્રવર્તતી હતી. જો કે, હવે હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે કે આ મહિનાના અંત સુધીમાં અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી ચોક્કસપણે પાર્કિંગના ચાર્જમાં ઘટાડો કરી રહી છે.
જો પાર્કિંગચાર્જ ઘટાડાશે તો, પ્રવાસીઓની સાથે સાથે તેમના સગાસંબંધીઓ અને પરિવારજનોને પણ મોટી રાહત થશે.અમદાવાદ સહિત રાજ્યમાં તમામ એરપોર્ટ પર પાર્કિંગનો ચાર્જ ઘટાડી દેવામાં આવે તેવી શકયતા છે. અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કાર પાર્કિંગનો ચાર્જ માત્ર ૨૦ રૂપિયા કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
અમદાવાદ એરપોર્ટના ટોચના અધિકારીઓ દ્વારા ગત સપ્તાહે દિલ્હી ખાતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સાથે બેઠક કરાઇ હતી. આજે પણ વધુ એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ૩૦ મિનિટ સુધીના કાર પા‹કગનો ચાર્જ રૂ. ૨૦ રાખવાના પાર્કિંગ ચાર્જ માટે કારના રૂપિયા ૨૦, ટુવ્હિલરના રૂપિયા ૧૦, બસ-ટ્રકના રૂપિયા ૩૦ ચૂકવવાની ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત ૩૦ મિનિટથી ૨ કલાકનો સમય લાગે તો પાર્કિંગચાર્જ માટે ટુ વ્હિલરના રૂપિયા ૧૫, કારના રૂપિયા ૫૫, એસયુવી-મિની બસના રૂપિયા ૬૦, બસ-કોચના રૂપિયા ૭૦ ચૂકવવાના થશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગામી થોડા સમયમાં તમામ પાસાંને ધ્યાનમાં રાખીને પાર્કિંગ ચાર્જ અંગે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે, જેનો અમદાવાદ ઓથોરિટી અમલ કરે તેવી શક્યતા છે, પરંતુ તેમાં વધઘટ માટે ઓથોરિટી અન્ય આવકના સ્રોત અને પાસાંઓનો સમાવેશ કરીને ચાર્જિસ જાહેર કરશે.
અમદાવાદ એરપોર્ટ ખાતે હાલના જે પણ કાર પ્રવેશે તેને ૧૦ મિનિટથી વધુ સમય લાગે તો તેને પાર્કિંગચાર્જ પેટે ૮૫ રૂપિયા ચૂકવવા પડે છે. આ અંગે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મેજર મનોજ ગંગલે જણાવ્યું હતું કે દેશભરમાં એરપોર્ટ પર પાર્કિંગની નવી પોલિસી અમલી બની રહી છે તે મુજબ અમદાવાદ એરપોર્ટનાં તમામ પાસાંને આવરી લઈને એરપોર્ટના પાર્કિંગના ચાર્જમાં પણ ઘટાડો કરવામાં આવશે. આ માસના અંત સુધીમાં પાર્કિંગ ચાર્જમાં ઘટાડો થાય તેવી શકયતા પ્રવર્તી રહી છે.