રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ લશ્કરની ત્રણેય પાંખોના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવીત આપત્તિના સામના માટે આગોતરૂ આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.
ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિમોન્સુન પ્રિપેડનેમ ની બેઠકના અધ્યક્ષ સ્થાનેથી મુખ્ય સચિવએ કહ્યું કે, સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત બચાવની કામગીરી કરી શકીશું અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેની સ્થિતિનું નિર્માણ થઇ શકશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુ માટે રાજ્યભરમાં તા.૧૫મી મે-૨૦૧૮થી કંટ્રોલરૂમ કાર્યરત કરાશે. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થાપનના પ્લાન તૈયાર કરી જરૂરી વ્યવસ્થા કરવા ભારપૂર્વક કહ્યું હતુ. મુખ્ય સચિવ દ્વારા રાજ્ય વહીવટીતંત્ર કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન પર ભાર મૂકીને સઘન આયોજન કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
કેન્દ્રીય હવામાન વિભાગના ડિરેકટર જયંત સરકારે અલ નીનો અને ઇન્ડિયન ઓસન ડાયપોલની સ્થિતિ અને આગામી ચોમાસા ઉપર તેની અસર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હવામાન ખાતાના અત્યાર સુધીના અભ્યાસ મુજબ પહેલા ચોમાસુ કેરાલામાં બેસશે, ત્યાર બાદ જૂનાના ત્રીજા અઠવાડિયામાં ગુજરાતમાં વિધિવત વરસાદ થાયતેવી સંભાવના છે.
આ બેઠકમાં રાહત-બચાવ સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલ કામગીરીની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી. જિલ્લાકક્ષાએ ફલડ કંટ્રોલ રૂમ કાર્યરત થવા ઉપરાંત રાજ્યમાં ૧૦ એન.ડી.આર.એફ.ની ટીમો કાર્યરત છે. જેમાં ૬ વડોદરા અને ૪ ગાંધીનગર ખાતે તૈનાત રહેશે.
મુખ્યસચિવએ આપત્તિ વ્યવસ્થાપનમાં લોકોની સતર્કતાને મહત્વની ગણાવી આગામી ચોમાસાની ઋતુમાં પૂરક વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓના સામાના માટેની પૂર્વ તૈયારી માટે લોકોને પણ જાગૃત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને રાજ્યના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.