ડિબ્રુગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ડિબ્રુગઢમાં રેલીને સંબોધતા જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી. સાથે સાથે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ દાવો કર્યો હતો કે વાજપેયીની સરકાર જતી રહ્યા બાદ પ્રોજેક્ટો અટવાઈ પડ્યા હતા. પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા ન હતા. વાજપેયીનું બોગી બિલ બ્રિજ વિકસિત થાય તેવું સપનું હતું. આજે આ સપનું પુરૂ થયું છે. તેમની સરકારે ૧.૫ કરોડ બેંક ખાતા ખોલવામાં સફળતા મેળવી છે.
ઉપરાંત અગાઉની સરકારો વેળા જે કામગીરી અટવાઈ પડી હતી તે આગળ વધારવામાં આવી રહી છે. તેમની સરકારે મહિલાઓ, યુવાનોને સ્વરોજગારી માટે મુદ્રા યોજના હેઠળ બેન્ક ગેરન્ટી વગર સાત લાખ કરોડ રૂપિયાની લોન આપી દીધી છે. અગાઉની સરકારોના ગાળામાં બેન્કોના જે લાખો કરોડો રૂપિયા અટવાઈ પડ્યા હતા તેમાંથી ત્રણ લાખ કરોડ રૂપિયા પરત લાવી દેવામાં આવ્યા છે. હાલની સરકાર ખૂબ ઝડપથી કામ કરી રહી છે. મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જુદા જુદા વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરીને વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સાથે સાથે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અંગે પણ વાત કરી હતી.