બનાસકાંઠા : શકિત, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમાના ત્રણેય દિવસે શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી. માઇભકતો 51 શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવી રહ્યા છે.
એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે 2.5 કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ.62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ 51 શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.
અંબાજી સર્વ શક્તિપીઠમાં જગતજનની આધશકિત અંબા માતાજીનું હ્દય બિરાજે છે. શ્રદ્ધાળુઓમાં અંબાજી શકિતપીઠનું અનોખું મહાત્મ્ય છે. અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરાયું છે.
ચાલુ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શકિતપીઠ પરિક્રમા મહોત્સવની પરંપરાને આગળ ધપાવતા તા.09 થી 11 ફેબ્રુઆરી સુધી 51 શકિતપીઠની પરિક્રમાની શરુઆત થઈ હતી. આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ અનેક ભક્તોએ પ્રશાસનની સુંદર વ્યવસ્થા થકી આ પરિક્રમાનો લાભ મેળવેલ છે. તા.09 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી સુધીના આ આયોજન દરમિયાન ગાંધીનગર મહાનગર પાલિકા ખાતેથી રોજની છ બસો થકી 707 લોકોએ, દહેગામ ગ્રામ્ય માંથી રોજની એક બસ દ્વારા 122 લોકો તથા દહેગામ નગરપાલિકા માંથી રોજની બે બસો મળી કુલ 305 લોકો, માણસા ગ્રામ્ય કક્ષાએથી રોજની ત્રણ બસ ઉપડતા 384 અને કલોલ ગ્રામ્ય માંથી રોજની બે બસો મુકાતા 273 જેટલા તથા કલોલ નગરપાલિકામાં રોજની એક બસ દ્વારા 159 લોકો મળી ત્રણ દિવસમાં જિલ્લાના 1950 જેટલા લોકોએ આ પરિક્રમાનો લાભ મેળવ્યો હતો અને શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.