નવીદિલ્હી : રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જા આપવા સાથે સંબંધિત બંધારણીય સુધારા બિલને આજે સંસદની લીલીઝંડી મળી ગઈ હતી. રાજ્યસભાએ સોમવારના દિવસે આની સાથે સંબંધિત બંધારણીય સુધારા બિલ ૨૦૧૭ને ૧૫૬ની સરખામણીમાં શૂન્ય મતે પસાર કરી દીધું હતું. લોકસભામાં આ બિલને પહેલાથી જ પસાર કરી દેવામાં આવ્યું છે.
બંધારણીય સુધારા હોવાના કારણે બિલ ઉપર મત વિભાજન કરવામાં આવ્યું હતું જેમાંથી તમામ ૧૫૬ સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. બિલ ઉપર ચર્ચાનો જવા આપતા સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી થાવરચંદ ગહેલોતે કહ્યું હતું કે, આ બિલ પસાર થયા બાદ રાજ્યોના અધિકારોના ભંગ થવાના સંબંધમાં કેટલાક સભ્યોએ જે શંકા વ્યક્ત કરી છે તે આધારવગરની છે.
તેમણે ઉમેર્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેન્દ્રીય અને રાજ્યની યાદી એક સમાન રહે છે પરંતુ ઓબીસીના મામલામાં તે અલગ અલગ રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યો પોતાના માટે ઓબીસી જાતિઓ ઉપર નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે. આ બિલ કાયદાકીયરુપમાં આવી ગયા બાદ જો રાજ્ય કોઇ જાતિને ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ કરવા ઇચ્છે છે તો તે સીધી રીતે કેન્દ્ર અથવા આયોગને મોકલી શકે છે.
તેમણે કહ્યું હતું કે, તેઓ ખાતરી આપવા માંગે છે કે, પંચની ભલામણ રાજ્ય માટે ફરજિયાત રહેશે નહીં. ભારતના બંધારણના સુધારા કરનાર, લોકસભા દ્વારા યથા સ્થિતિમાં પસાર કરનાર, તથા સુધારાની સાથે રાજ્યસભા દ્વારા પરત કરવામાં આવેલા બિલમાં કેટલીક જાગવાઈ રાખવામાં આવી છે. આ બિલ પસાર કરવામાં આવ્યા બાદ મોદી સરકાર માટે પણ એક મોટી રાહતની બાબત થઇ છે. સરકારે આ બિલને વર્તમાન સત્રમાં જ પસાર કરવાની ખાતરી આપી હતી. આજે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જા આપનાર બિલને સંસદની મંજુરી મળી ગઈ હતી.