શ્રીલંકા અત્યારે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં સરકાર વિરુદ્ધમાં પ્રદર્શન હિંસક થઈ ગયું છે. પ્રધાનમંત્રી પદ પરથી મહિન્દા રાજપક્ષેએ રાજીનામુ આપી દીધુ છે.
પરંતુ લોકો રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અનેક જગ્યાએ સરકારના સમર્થકો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ જાેવા મળ્યું હતું. શ્રીલંકામાં એક સાંસદ સહિત ૮ લોકોના મોત પણ થયા છે, જ્યારે ઘણા લોકોને ઈજા થઈ છે.શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
સરકારે કર્ફ્યૂ લગાવી દીધુ છે અને હિંસા કરનાર લોકોને ગોળી મારવાની છૂટ આપવામાં આવી છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશને સંબોધિત કર્યો છે. તેમણે દેશની જનતાને કહ્યું કે જલદી નવી સરકારની રચના કરવામાં આવશે. ગોટબાયાએ કહ્યુ કે, આગામી સપ્તાહે નવા પીએમની નિમણૂક થશે અને કેબિનેટની પસંદગી થશે.
રાષ્ટ્રપતિ ગોટબાયાએ કહ્યુ કે બહુમત જેની પાસે હશે તેની સરકાર બનશે. સાથે કેબિનેટ મંત્રીઓની પણ પસંદગી કરવામાં આવશે. દેશમાં સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ પર રાષ્ટ્રપતિએ જનતાને અપીલ કરી છે કે તે હિંસામાં સામેલ ન થાય અને પ્રદર્શન કરવાનું બંધ કરી દે. રાષ્ટ્રપતિએ દેશની જનતાને કહ્યું કે, દેશ રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.
ઘણા લોકો સૂચન આપી રહ્યાં છે કે હવે સરકાર બનાવવા માટે અલગ-અલગ રાજકીય દળો સાથે ગઠબંધન કરવામાં આવે. તેમણે કહ્યું- મેં પહેલા પણ ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે અને હું આ સૂચનથી સહમત છું. તેમણે કહ્યું કે, જૂના મંત્રીમંડળને હટાવી દેવામાં આવ્યું છે અને હવે નવા મંત્રીમંડળની રચના થશે જેમાં યુવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને કોઈપણ રાજપક્ષે હશે નહીં.