નવા બ્રીજ પર સ્ટ્રીટ લાઇટના બદલે સ્ટ્રીટ ફર્નિચર પણ હશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં હાલમાં નિર્માણાધીન અંજલિ ફ્‌લાય ઓવર બ્રિજ, ઈન્કમટેક્સ ફ્‌લાય ઓવરબ્રિજ સહિત સાત બ્રિજ પરની સ્ટ્રીટલાઈટને ચીલાચાલુ ઢબની સ્ટ્રીટલાઈટને બદલે આગવી ડિઝાઈન ધરાવતી ‘સ્ટ્રીટ ફર્નિચરતરીકે વિકસિત કરવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયા છે.

નવા બ્રીજ પર સ્ટ્રીટલાઇટના બદલે સ્ટ્રીટ ફર્નીચરના નવા જ કન્સેપ્ટ પર હવે અમ્યુકો સત્તાધીશો નગરજનો માટે ખાસ આકર્ષણ ઉભુ કરવા માંગે છે અને શહેરની શોભામાં અભિવૃધ્ધિ  કરવા માંગે છે. થોડા સમય પહેલાં જ શહેરના શાસકોએ નહેરુબ્રિજ અને સરદારબ્રિજને કાયમી ધોરણે રોશનીથી મઢી લેવાની જાહેરાત કરી હતી. અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ હેરિટેજ વર્લ્ડ સિટી જાહેર કરવાથી ઉત્સાહિત થયેલા સત્તાધીશોએ એલિસબ્રિજનો પણ કાયમી ધોરણે રોશનીથી ઝળહળા કરવાના પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો છે.

જોકે તંત્ર દ્વારા રૂ. આઠ લાખના ખર્ચે એલિસબ્રિજની સ્ટ્રીટલાઈટને એલઈડીની પીળી લાઈટ્‌સથી લોક નજરે આકર્ષિત કરાઇ છે. હવે સત્તાધીશોએ શહેરમાં નિર્માણાધીન અંજલિ ચાર રસ્તા ફ્‌લાય ઓવરબ્રિજ, ઈન્કમટેક્સ ફ્‌લાય ઓવર બ્રિજ સહિતના સાતે સાત બ્રિજ પર પરંપરાગત રીતે સ્ટ્રીટલાઈટના થાંભલા લગાવવાને બદલે તેને નવી ડિઝાઈનના બનાવીને સ્ટ્રીટ ફર્નિચરતરીકે વિકસિત કરવાની કવાયત આરંભી છે. સમગ્ર બ્રિજ પર એલઈડીનો ૪૦ લકસનો પીળો પ્રકાશ ફેલાવતા અંદાજે ૩૦થી ૪૦ થાંભલા ઊભા કરાશે. જે ૨૦થી ૨૫ મીટરના અંદરે હશે. જ્યારે સર્વિસ રોડ પર એલઈડીનો ૩૦ લકસનો પીળો પ્રકાશ ફેલાવતા સ્ટ્રીટલાઈટના થાંભલા ઊભા કરાશે.

જાણકાર  સૂત્રો કહે છે, અત્યાર સુધી જે તે બ્રિજ પરના સ્ટ્રીટલાઈટના થાંભલામાં અલગ અલગ કન્સલ્ટન્ટના કારણે એકસૂત્રતા જળવાતી ન હતી, પરંતુ સત્તાવાળાઓએ નવા બનતા તમામે તમામ સાત બ્રિજ પરની સ્ટ્રીટલાઈટના મામલે એકસૂત્રતા જાળવવા ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. જોકે આમાં જાહેરાતનાં બોર્ડના લાઇટિંગનો પ્રશ્ન કાંઇક અંશે નડતરરૂપ બન્યો છે. સ્ટ્રીટલાઇટના જંક્શન બોક્સ પર લટકતા રહેતા વાયરના મામલાને તંત્ર ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ તમામ બ્રિજ પરની સ્ટ્રીટલાઈટમાં એકસૂત્રતા લાવવા માટેની નવી ડિઝાઈનમાં તંત્ર ઈન-બિલ્ટજંકશન બોક્સનો સમાવેશ કરવાનું હોઈ જાહેરાતના બોર્ડનું લાઈટિંગ પણ ઈન-બિલ્ટ ડિઝાઈનમાં જરૂરી બન્યું છે. જોકે સત્તાધીશોએ ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ લવાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સ્ટ્રીટ ફર્નીચરના નવા કન્સેપ્ટના કારણે શહેરના નવા બ્રીજ પર નગરજનોને ખાસ એલઇડી લાઇટીંગના પ્રકાશનું અનોખુ આકર્ષણ અને નઝારો માણવા મળશે

Share This Article