મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે ગતિ પકડશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હવે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઇ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર જતી રહી છે. સત્તા પરિવર્તન બાદથી જ આ અટકળો લગાવવામાં આવી રહી હતી કે હવે બુલેટ ટ્રેનને ગતિ મળશે. અમદાવાદથી મુંબઇ સુધી ૫૦૮ કિલોમીટરનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે. 

બુલેટ ટ્રેન લાઇનમાં કુલ ૧૨ સ્ટેશન હશે. તેમાં ૮ સ્ટેશન ગુજરાતમાં હશે અને ૪ સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે. સાબરમતીથી વાપી સુધી કુલ ૩૫૨ કિલોમીટરની બુલેટર ટ્રેન ગુજરાતમાં હશે. આ સેક્શનમાં ૬૧ કિલોમીટર બુલેટ ટ્રેનના પિલર લાગી ગયા છે અને ૧૭૦ કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધુ ગતિ મળવાની છે.

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આજે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન માટે તમામ પ્રકારની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેની જાણકારી આપી હતી.  તમને જણાવી દઇએ કે બુલેટ ટ્રેન આગામી વર્ષે એટલે કે ૨૦૨૩ માં દોડવાની હતી પરંતુ મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણની ધીમી ગતિના કારણે મોડું થઇ રહ્યું છે. એટલું જ નહી કોવિડ દરમિયાન આ પ્રોજેક્ટમાં મોડું થયું છે. અત્યાર સુધીમાં ફક્ત ૨૦ ટકા જમીન અધિગ્રહણ થઇ શકી છે. થોડા દિવસો પહેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની સરકાર બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણ કરાવવામાં રૂચિ દાખવતી નથી.

Share This Article