વર્ષ ૨૦૨૨માં કમાણીના રેકૉર્ડ તોડનાર વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ હાલમાં વિવાદોમાં ઘેરાયેલી છે. ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઑફ ઈન્ડિયાના સમાપન સમારંભમાં ફિલ્મ મેકર નદાવ લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સને એક અશ્લીલ અને પ્રોપાગાન્ડા ફિલ્મ ગણાવી દીધા બાદ હોબાળો મચી ગયો. ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી, અભિનેતા અનુપમ ખેર અને દિગ્દર્શક અશોક પંડિતની આકરી પ્રતિક્રિયાઓ આવી. ત્યારબાદ ઈઝરાયેલના રાજદૂતે આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી.
હવે આ સમગ્ર મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે પણ ફિલ્મને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. આ વિવાદ પર સંજય રાઉતે કહ્યુ, ‘ધ કાશ્મીર ફાઇલ્સ વિશે આ વાત સાચી છે. આ ફિલ્મ દ્વારા એક પક્ષે બીજા પક્ષો વિરુદ્ધ પ્રોપાગાન્ડા કર્યો હતો. એક પાર્ટી અને સરકાર આ ફિલ્મના પ્રમોશનમાં લાગેલી હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ સૌથી વધુ હત્યાઓ કાશ્મીરમાં થઈ છે. કાશ્મીરી પંડિતો અને સુરક્ષાકર્મીઓ માર્યા ગયા. સંજય રાઉતે વધુમાં કહ્યુ કે, તે વખતે આ કાશ્મીર ફાઈલ્સના લોકો ક્યાં હતા? કાશ્મીરી પંડિતોના બાળકોએ પણ આંદોલન કર્યુ હતુ, તે વખતે આ લોકો ક્યાં હતા. તે સમયે કોઈ આગળ નહોતુ આવ્યુ, એ વખતે કાશ્મીર ફાઇલ્સ ૨.૦ ને લઈને આ લોકો કોઈ પ્લાન હતો, હવે એ પણ બનાવો.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ધ કાશ્મીર ફાઇલ્સ પર ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નદાવ લેપિડના સમર્થનમાં આવી છે. સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યુ, ‘દુનિયા માટે આ દેખીતી રીતે ખૂબ જ સ્પષ્ટ છે.’