પ્રભાસ અને ક્રિતિ સેનની ફિલ્મ આદિપુરુષને બોક્સઓફિસ પર બમ્પર ઓપનિંગ મળવાની શક્યતા ટ્રેડ એક્સપર્ટ્સે વ્યક્ત કરી છે. ફિલ્મ માટે દરેક વય અન જૂથના લોકોમાં ઊભી થયેલી ઉત્સુકતાના કારણે રિલીઝના પહેલા દિવસે જ આ ફિલ્મ રૂ.૮૦ કરોડથી વધુનું કલેક્શન મેળવે તેવી શક્યતા છે. આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટ હિટ ગણાતી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ માટે પણ આ જ પ્રકારની ઉત્સુકતા અને પ્રમોશન જોવા મળતા હતા. બોયકોટ ટ્રેન્ડ વચ્ચે પણ પઠાણ સુપરહિટ રહી હતી, જ્યારે આદિપુરુષ માટે હાલ કોઈ નેગેટિવ માહોલ નથી. જેથી આ ફિલ્મ પઠાણ કરતાં પણ વધારે સારું પ્રદર્શન કરે તો નવાઈ નહીં. રૂ.૫૦૦થી ૬૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને ૩ડ્ઢમાં વર્લ્ડવાઈડ રિલીઝ કરવામાં આવશે. ઓમ રાઉતે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ રવિવારથી શરૂ થયું હતું. પીવીઆર આઈનોક્સમાં પહેલા વીકેન્ડ માટે ૩ લાખથી વધુ બુકિંગ થઈ ગયા છે.
બાહુબલિ ફેમ પ્રભાસનો સ્ટાર પાવર અને ફિલ્મનો વિષય લોકોને પસંદ હોવાના કારણે શરૂઆત અસરકારક રહી છે. આ ફિલ્મને સૌથી સારું કલેક્શન હિન્દી અને તેલુગુ ભાષામાં મળશે. ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, એડવાન્સ બુકિંગમાં પઠાણ જેવો જ સારો રિસ્પોન્સ આદિપુરુષને મળી રહ્યો છે, જેના કારણે ઓપનિંગ ડે પર તેને ૮૦-૮૫ કરોડનું કલેક્શન મળવાની શક્યતા છે. આ રીતે બે-ત્રણ વીકેન્ડની ગણતરી કરીએ તો પણ આદિપુરુષને સરળતાથી ૨૦૦ કરોડથી વધુનું કલેક્શન મળી જશે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ૨૫ સ્ક્રિન ધરાવતા સની ચંદીરામાણીએ કહ્યું હતું કે, આદિપુરુષને પઠાણ જેવો જ રિસ્પોન્સ છે. કોઈ મોટી ફિલ્મને છાજે તેવું એડવાન્સ બુકિંગ બુકિંગ છે. હિન્દી બેલ્ટમાં આ ફિલ્મ ૨૫ કરોડનું કલેક્શન મળી શકે છે. ઓપનિંગ ડે પર એકંદરે ૮૦-૧૦૦ કરોડનું કલેક્શન મળવાનો અંદાજ છે. રાજકોટના ડિસ્ટ્રિબ્યુટર અજય બાગડીએ કહ્યું હતું કે, આ ફિલ્મ વીકેન્ડ પર ૨૦૦ કરોડનો બિઝનેસ કરી લેશે. આદિપુરુષનો વિષય ઘરે-ઘરે જાણીતો છે. વળી તેના માટેનો બઝ પણ પઠાણ જેવો છે. દરેક વય અને વર્ગના લોકોને પસંદ આવતા વિષય પર આદિપુરુષ બની છે. અનેક સંસ્થાઓ, એનજીઓ, સ્કૂલ અને રાજકીય પક્ષો દ્વારા તેના બલ્ક બુકિંગ થઈ રહ્યા છે. સિનિયર સિટીઝન્સ પણ આ ફિલ્મ જોવા માટે આવે તેવી શક્યતા છે. એકંદરે ફેમિલી સાથે જોઈ શકાય તેવી આ ફિલ્મ છે. ઘણાં વાલીઓ પોતાના બાળકને આ ફિલ્મ બતાવવા માગે છે. ફિલ્મને મળી રહેલા આ પ્રકારના રિસ્પોન્સનું કારણ સ્ટાર પાવર નહીં, પરંતુ ભગવાન રામ પ્રત્યેનો આદર છે. સિનેપોલીસ ઈન્ડિયાના સીઈઓ દેવાંગ સંપતે જણાવ્યુ હતું કે, આ ફિલ્મ માટે અભૂતપૂર્વ રિસ્પોન્સ છે અને તેમણે ૫૦ હજાર ટિકિટ્સ બુક કરી લીધી છે. સિનેપોલીસમાં આ ફિલ્મ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર રહેવાની છે. મુંબઈ સ્થિત ડિસ્ટ્રિબ્યુટર રાજેશ થાડાણીએ એડવાન્સ બુકિંગનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે. તેઓ માને છે, નાના સેન્ટર પર પણ આ ફિલ્મ માટે ગજબની ઉત્સુકતા છે. લોકો પૂરા ઉત્સાહથી ટિકિટ્સ ખરીદી રહ્યા છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં થીયેટર્સ ધરાવતા અક્ષય રાઠીના અનુમાન મુજબ, પહેલા દિવસે ૭૦ કરોડ જેટલું કલેક્શન મળી શકે છે. ફિલ્મને કોર્પોરેટ્સ, ક્લબ અને સંસ્થાઓના બુકિંગ મળી રહ્યા છે. હિન્દીમાં આ ફિલ્મને પહેલા દિવસે ૨૫-૩૦ કરોડ, તેલુગુ વર્ઝનને ૩૫ કરોડ મળવાની શક્યતા છે.