૨૧મી તારીખે સમગ્ર ગુજરાતમાં દૂધની હડતાળ માલધારી સમાજ દ્વારા પાડવામાં આવી ત્યારે ગાંધીનગરના કલોલમાં પણ માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળને સ્વેચ્છાએ સ્વીકારીને તે દિવસે કોઈપણ દૂધના વારા તેમજ દૂધની ડેરીમાં દૂધ ભરાવવાનું મોકુફ રાખવામાં આવ્યું હતું. જોકે ૨૧મીએ વિધાનસભા સત્રમાં સરકાર ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચશે પરંતુ કલોલના માલધારી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ૨૧મીએ ગુજરાતમાં દૂધની હડતાળ સમાજ દ્વારા જે જાહેર કરવામાં આવી છે. તે દિવસે અમે સમાજના સંતો, મહંતો અને સાચા આગેવાનોના અવાજ મુજબ અણુજા પાડી દૂધની હડતાળ સફળ બનાવીશું. જેમાં તે દિવસે અમે દૂધનો સારી જગ્યાએ ઉપયોગ થાય તેવી રીતે નજીકની સરકારી કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દૂધનું વિતરણ કરીશું. તેમજ રોડ પર ભીખ માગતા કે ગરીબ ઝૂંપડપટ્ટીમાં જઈને દૂધનું વિતરણ કરીશું. નજીકમાં ચાલતી રામ રોટી કે કોઈ મંદિરના અન્ન ક્ષેત્રમાં એ દિવસે દૂધનું દાન કરીશું. તેમજ સમાજના અમુક પરિવારો જે કોઈ ડેરી કે અમૂલનું દૂધ પીતા હોય તેવા પરિવારોને એ દિવસે દૂધ ના લાવવાનું કહી એમના ઘરે અમે દૂધ પહોંચાડીશું. તેમજ શહેરમાં ફરતા કુતરાં અને બિલાડી જેવા જાનવરોને દૂધ પીવડાવીને પુણ્યનું કામ કરીશું.
ગાયના વાછરડાને પણ ગાયેલું દૂધ પીવા દઈશું. જેમ બને તેમ ડેરી કે અમૂલનું દૂધ જે ખરીદતા હોય તેમણે એ દિવસે દૂધ ન ખરીદવાનો આગ્રહ કરીશું. તેમ જ દૂધની ખીર બનાવીને સૌને ખવડાવીશું. સાથે-સાથે એમને એ પણ ઉમેર્યું હતું કે દૂધનો બગાડ ન થાય તેની કાળજી લઈશું. તેમજ તેને કોઈ ઢોળી ન દે તેની પણ કાળજી લઈશું. હા પણ કોઈ ડેરી કે દૂધના વાહનો જોડે ઘર્ષણ નહીં કરીએ કે નહીં કરવા દઈએ અને સમાજના તમામ માણસોને અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલનને સ્વેચ્છાએ આપ સૌ સફળ બનાવો. સરકાર દ્વારા જે આ કાળો કાયદો નીકાળવામાં આવ્યો છે. તે કાળા કાયદાનો વિરોધ કરવા માટે તે દિવસે અમે આ દૂધનું ઘી બનાવીને એના ગોળના લાડવા બનાવી ગાયોને ખવડાવી સરકાર તેમજ આ કાયદાનો બારમું ઉજવીશું. સાથે તેમને વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કાળો કાયદો અમે પાછો ખેંચીશું પણ આવી લોલીપોપો સરકાર દ્વારા ઘણીવાર આપવામાં આવી છે માટે આ વખતે આવી કોઈ લોલીપોપોમાં અમે ભરમાઈશું નહીં અને ૨૧મી એ સમગ્ર ગુજરાતમાં દૂધની હડતાલને સફળ બનાવીશું.