નવીદિલ્હી : આ વર્ષના વચગાળાના બજેટમાં નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને રાહત આપવા માટે સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા જમા કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આનો સૌથી વધારે લાભ ઉત્તરપ્રદેશને મળનાર છે. ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હાર થયા બાદ મોદી સરકાર ખેડૂતોને પ્રભાવિત કરવા માટે વિવિધ પહેલ કરી રહી છે જેના ભાગરુપે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા જમા કરવાના પગલાનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પહેલા મોદી સરકારના મોટા પગલા તરીકે આને જાવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ આ પગલાથી પોતાની સ્થિતિને વધારે મજબૂત કરનાર છે.
ઉત્તરપ્રદેશમાં સંખ્યા મુજબ સૌથી વધારે ખેડૂત બે હેક્ટર અથવા તો પાંચ એકરથી ઓછી જમીન ધરાવે છે. કેરળ એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોની વસતીની દ્રષ્ટિએ સૌથી વધારે ફાયદો થશે. કેરળના ૯૯ ટકા પાસે પાંચ એકરથી ઓછી જમીન રહેલી છે. મોદી સરકારના પ્રયાસ છે કે, કેરળ અને ઉત્તરપ્રદેશમાં સમર્થકોને મોટાપાયે તેમની તરફેણમાં કરવામાં આવે. ઇન્કમ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સરકારે પાંચ એકરથ ઓછી જમીનવાળા ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા જમા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં જમા કરવામાં આવનાર છે. આનાથી ૧૨ કરોડ ખેડૂતોને ફાયદો થશે. હજુ સુધીના આંકડા ઉપર નજર કરવામાં આવે તો આ યોજનાનો લાભ લેનારમાં ૫૦ ટકા ખેડૂત પાંચ રાજ્યોમાં છે. આમાથી સૌથી વધુ ખેડૂત ૨.૨૧ કરોડ ઉત્તરપ્રદેશના છે.
ત્યારબાદ બિહારના ખેડૂતોની સંખ્યા આવે છે. બિહારમાં ૧.૫૯ કરોડ ખેડૂતો એવા છે જેમની પાસે પાંચ એકરથી ઓછી જમન રહેલી છે. આ મામલામાં મહારાષ્ટ્ર ૧.૧૮ કરોડ સાથે ત્રીજા, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ ચોથા સ્થાને છે. આ રીતે પાંચ રાજ્યોમાં જ યોજનાના લાભાર્થી ખેડૂતોની સંખ્યા ૧૨ કરોડ પૈકીની અડધી છે. ૮૦ ટકા લાભાર્થી ખેડૂતો ૧૦ રાજ્યોમાં છે. ટકાવારીની દ્રષ્ટિએ કેરળ પ્રથમ સ્થાને છે જ્યાં ૯૯ ટકા ખેડૂતોની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. ટકાવારીની દ્રષ્ટિએ કેરળ બાદ બિહાર અને બંગાળ, ઉત્તરપ્રદેશ અને તમિળનાડુના નંબર આવે છે. બિહાર અને બંગાળને છોડી દેવામાં આવે તો આ યાદીમાં આવનાર તમામ રાજ્યોમાં જમીનના ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યા છે. આ આંકડા ૨૦૧૫-૧૬ની કૃષિ વસતી પર આધારિત છે.