સંસદ પર હુમલાની ૧૮મી વરસી : શહીદને શ્રદ્ધાંજલિ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વર્ષ ૨૦૦૧માં ભારતીય સંસદ પર કરવામાં આવેલા ભીષણ હુમલાની આજે ૧૮મી વરસીના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના સાહસને યાદ કરવામા આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રાસવાદીઓ સામેના જંગમાં શહીદ થયેલા જવાનોના સાહસને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે તેમના સાહસને સલામ કરીને તેમના પરાક્રમ પર ગર્વની લાગણી વ્યક્ત કરી. હુમલામાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ આજે વર્ષ ૨૦૦૧માં સંસદ પર થયેલા ભીષણ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

મોદીએ ટ્‌વીટર પર કહ્યુ હતું કે વર્ષ ૨૦૦૧માં આ દિવસે અમારી લોકશાહીના મંદિર સંસદ પર હુમલા દરમિયાન તેના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ જવાનોને તેઓ સેલ્યુટ કરે છે. તેમના બલિદાનને ક્યારેય લોકો ભુલી શકે નહી. વડાપ્રધાન મોદી ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને અન્ય રાજકીય નેતાઓએ પણ હુમલાની વરસીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ કેન્દ્રમાં ભાજપની અટલ બિહારી વાજપેયી સરકાર હતી અને સત્ર પણ ચાલી રહ્યું હતું. દેશના તમામ જનપ્રતિનિધીઓ સંસદમાં જ હતા. મોડેથી હુમલાના માસ્ટરમાઇન્ડ અફજલ ગુરૂને ફાંસી આપવામાં આવી હતી. તોયબા અને જેશના ત્રાસવાદીઓએ હુમલો કરીને સાંસદોને બાનમાં પકડી લેવા માટેની યોજના હતી. જો કે દેશના બહાદુર જાબાજ જવાનોએ પોતાની જાન પર ખેલીને ત્રાસવાદીઓની યોજના પર પાણી ફેરવી દીધુ હતુ. તમામ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. દેશમાં પણ સાહસી જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

Share This Article