મુંબઇ : મરાઠા અનામતને લઇને થઇ રહેલા વિલંબ અને સોમવારના દિવસે વિરોધ પ્રદર્શન દરમિયાનમાં નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાના વિરોધમાં કરવામાં આવેલા મહારાષ્ટ્ર બંધને મરાઠા ક્રાંતિ મોરચાએ પરત લેવાનો એકાએક નિર્ણય કર્યો હતો. સંગઠન તરફથી સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે, સાત જિલ્લાઓમાં જારી બંધને પરત લેવાનો નિર્ણય કરાયો છે. આની સાથે સાથે બંધના કારણે લોકોને થયેલી પરેશાનીના સંદર્ભમાં પણ માફી માંગવામાં આવી છે.
સંગઠન તરફથી આજે નવી મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધ દરમિયાન મુંબઈમાં પણ આજે હિંસા થઇ હતી. દેખાવકારોએ આજે નવી મુંબઈમાં ઘનશોલી વિસ્તારમાં બેસ્ટની બસો ઉપર પથ્થરમારો કર્યો હતો. બીજી બાજુ લાતુર અને ઉદગીરમાં જુથ અથડામણ પણ થઇ હતી. થાણેમાં દેખાવકારોએ દુકાનો બંધ કરાવી હતી. વાસીથી આરોલી વિસ્તારમાં બેસ્ટ બસની સર્વિસને બંધ કરાવવામાં આવી હતી. બંધના કારણે મહારાષ્ટ્રની ૭૦ ટકા સ્કુલો અને કોલેજા બંધ રહી હતી. દેખાવકારોએ જાગેશ્વરીમાં ટ્રેનોને રોકવાના પ્રયાસ કર્યા હતા. દેખાવકારો દ્વારા આપવામાં આવેલા બંધના લીધે લોકોને મુશ્કેલી પડી હતી પરંતુ એકાએક બંધને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અગાઉ મરાઠા અનામતની માંગને લઇને આજે સવારે દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં પણ બંધની હાકલ કરવામાં આવી હતી.
મુંબઇ બંધના કારણે જનજીવન પર અસર થઇ હતી. સવારમાં જરૂરી ચીજ વસ્તુઓ માટે લોકોને હેરાન થવાની ફરજ પડી હતી. થાણે સહિત મુંબઇના અનેક વિસ્તારોમાં દેખાવકારોએ માર્ગો પર નાકાબંધી કરી હતી. ઓલા અને ઉબર કેબની તકલીફ ઉભી થઇ હતી. મોટા ભાગના લોકો કોઇ કેબ બુક કરાવી શક્યા ન હતા. કારણ કે સેવા બંધ રહી હતી. બંધના કારણે જુદા જુદા વિસ્તારોમાં શાકમાર્કેટમાં પણ બંધની Âસ્થતી રહી હતી. મુલુન્ડ માર્કેટમાં તમામ શાકભાજીવાળા લોકો દેખાયા ન હતા. કેટલીક જગ્યાએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસની સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ફડનવીસ તરફથી કેટલીક ખાતરી આપવામાં આવી હોવા છતાં તેની કોઇ અસર દેખાઇ ન હતી.
મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ દેખાવો જારી રહ્યા હતા. મરાઠા ક્રાંતિ સમાજે બુધવારે સવારે થાણે, નવી મુંબઈ અને રાયગઢમાં બંધનું એલાન આપ્યું હતુ. ગઇકાલે મરાઠાઓના વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિ વણસી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં કોંગ્રેસ-એનસીપીની સરકારે મરાઠા સમુદાય માટે ૧૬ ટકા અનામતની જાગવાઈ કરી હતી. આના માટે પ્રથમ વખત ઇકોનોમિકલી એન્ડ બેકવર્ડ કોમ્યુનિટીની કેટેગરી બનાવવામાં આવી હતી. આ રીતે કુલ ૫૧ ટકા અનામત ક્વોટાથી વધી જતા અડચણો ઉભી થઇ હતી. મોડેથી મુંબઇ હાઈકોર્ટે મરાઠા અનામત ઉપર પ્રતિબંધ મુકીને કહ્યું હતું કે, મરાઠાઓને પછાત વર્ગમાં ગણી શકાય તેમ નથી. હજુ પણ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. મરાઠા સમુદાય ઇચ્છે છે કે, સરકાર અનાતમની એવી વ્યવસ્થા તૈયાર કરે જેના કોર્ટ ફગાવી શકે નહીં. મહારાષ્ટ્રની કુલ વસ્તી પૈકી ૩૩ ટકા મરાઠી વસ્તી છે. એક સમુદાય તરીકે રાજકીયરીતે પણ ખુબ પ્રભાવશાળી અને શક્તિશાળી છે. ૧૯૬૦માં રાજ્યની રચના થયા બાદથી મહારાષ્ટ્રમાં બનેલા ૧૭ મુખ્યમંત્રી પૈકી ૧૦ આ સમુદાય સાથે જાડાયેલા રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ૫૦ ટકા શૈક્ષણિક સંસ્થાઓ ઉપર મરાઠા નેતાઓનું નિયંત્રણ છે. મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં ખાંડ મિલોની મહત્વની ભૂમિકા છે. ૨૦૦ ખાંડ મિલોમાંથી ૧૬૮ પર મરાઠાઓનું અંકુશ રહેલું છે. ૭૦ ટકા જિલ્લા સહકારી બેંકો ઉપર મરાઠાઓનું વર્ચસ્વ રહેલું છે.
સમગ્ર મામલો શું હતો ?
મુંબઈ, ઔરંગાબાદના કેગાંવમાં ૨૮ વર્ષિય કાકાસાહેબ દત્તાત્રેય શિંદે દ્વારા સોમવારે સાંજે અનામતની માંગને લઇને ગોદાવરી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેવામાં આવી હતી જેની પ્રતિક્રિયામાં મંગળવારના દિવસે અનેક જિલ્લાઓમાં બંધની હાંકલ કરવામાં આવી હતી. આજે બુધવારના દિવસે પણ સવારે મહારાષ્ટ્રમાં ઘણા ભાગોમાં બંધની હાંકલ રહી હતી. મુંબઈમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. શિંદેના અંતિમ સંસ્કારમાં તેના પેત્રુકગામ કાનડથી હજારો લોકો એકત્રિત થયા હતા. ગુસ્સામાં આવેલા લોકોએ શિવસેનાના સાંસદ ચંદ્રકાંત ખરેનો વિરોધ કર્યો હતો. તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. બીજી બાજુ કોંગ્રેસના વિધાન પરિષદના સભ્ય સુભાષ જાબંધની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. તેમને પોલીસ સુરક્ષા આપવાની ફરજ પડી હતી. મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગઇકાલે હિંસા થઇ હતી અને આજે મુંબઈના ઘનસોલીમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.