વિપક્ષના હોબાળા વચ્ચે ‘રાજકીય પક્ષોને વિદેશમાંથી મળતા ફંડ અંગે તપાસ થઈ શકશે નહીં’ તેવો કાયદો પસાર કરવામાં આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજકીય પક્ષોને વિદેશમાંથી મળેલા ફંડ ફાળાની હવે કોઈ તપાસ નહીં થાય તે પ્રકારનું બિલ બુધવારે લોકસભામાં વિપક્ષોના હોબાળા વચ્ચે ચર્ચા વિના જ પસાર થઈ ગયું. લોકસભામાં નાણાં બિલમાં ૨૧ સુધારા ચર્ચા વિના જ પસાર થયા હતા. ૨૦૧૦માં ઘડાયેલા કાયદા મુજબ રાજકીય પક્ષોને વિદેશમાંથી ફંડ મેળવવાની મનાઈ હતી.

ભાજપ સરકારે ૨૦૧૬માં સુધારો કરીને રાજકીય પક્ષોને વિદેશમાંથી ફંડ લેવાની છૂટ આપી અને હવે તે અંગેની તપાસ નહીં કરવા માટે પણ કાયદો ઘડયો. બુધવારે લોકસભામાં નાણા બિલ ૨૧ સુધારા પસાર થયા તેની માહિતી વેબસાઇટ પર મૂકી હતી. ભૂતકાળની અસરથી લાગુ થતાં આ સુધારામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૨૦૧૪ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદામાંથી બચવાનો લાભ મળશે.

દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૪માં એફસીઆરએ કાયદા પ્રમાણે વિદેશી ફંડમાં મુદ્દે ઉલ્લંઘન કરવામાં બંને પક્ષોને દોષિત ઠેરવ્યા હતા. ૧૯૭૬માં ઘડાયેલા કાયદા મુજબ ભારતીય અને વિદેશી કંપની કે જે વિદેશમાં રજિસ્ટર થઈ હોય અથવા તેની શાખા વિદેશમાં હોય તેને વિદેશી કંપની માનવાની જોગવાઈ કરેલી.

૨૦૧૦માં તેના સ્થાને એફસીઆરએ કાયદો લાવ્યા. ૨૦૧૬માં ભાજપની સરકારે વિદેશી કંપનીની વ્યાખ્યા પણ બદલી તેમાં ૫૦ ટકાથી ઓછી પૂંજી સાથે વિદેશમાં હોય તેને વિદેશી કંપની ન ગણવી તેવી જોગવાઈ કરી.

Share This Article