સુરત : સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં ગત સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર યુવકે બાબેન ગામની 30 વર્ષની પરિણીતાને પતિ સાથે છૂટાછેડા બાદ લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. આ યુવાને લગ્ન કરવાનો વિશ્વાસ આપી યુવતિને ગર્ભપાત કરાવ્યો અને બાદમાં વિદેશ જતો રહેતાં પરિણીતાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
બારડોલી નગરપાલિકાની વર્ષ 2021માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી કેલિન રાજેન્દ્રપ્રસાદ રાજપૂતે ઉમેદવારી નોંધાવી હતી. કેનિલ રાજપૂતે ગામની 30 વર્ષની પરિણીતા સાથે મિત્રતા થઈ હતી. પરિણીતાને તેના પતિ સાથે અણબનાવ થતાં બારડોલી કોર્ટમાં છૂટાછેડાનો દાવો કર્યો હતો અને પોતાના પુત્ર સાથે એકલી રહેતી હતી. કેનિલ રાજપૂતે પતિ સાથે છૂટાછેડા થઈ જાય પછી લગ્ન કરીશ તેવો વિશ્વાસ અપાવ્યો હતો. કેનિલે પરિણીતા સાથે લગ્નનો વાયદો કરી અવાર-નવાર શારીરિક સંબંધ બાંધતા પરિણીતા ગર્ભવતી બની હતી. જેને અઢી મહિના થતાં કેનિલ છૂટાછેડા થાય પછી આપણે લગ્ન કરવાના જ છીએ, અત્યારે આપણે આ બાળકને રાખીશું તો લોકો આપણો મજાક બનાવશે, તેવું કહી વિશ્વાસ અપાવી દવા પીવડાવી ગર્ભ પડાવી દીધો હતો. બે મહિના પછી કેનિલે કહ્યું કે, હું ઝામ્બિયા જવાનો છું. ત્યારે પરિણીતાએ લગ્નનું પૂછતાં કેનિલે તારી સાથે જ લગ્ન કરવાનો છું તેવો ફરીથી વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં પરિણીતા ફરી દોઢ માસની ગર્ભવતી બની અને કેનિલે ફરી ગર્ભપાત કરવાની વાત કરી. જેના કારણે પરિણીતા અને કેનિલ વચ્ચે બોલાચાલી થઈ હતી.
જોકે, ત્રણ-ચાર દિવસ બાદ કેનિલે બારડોલી કોર્ટમાં વકીલને લગ્ન કરવા માટે આધારકાર્ડ, લિવિંગ સર્ટી અને ફોટા આપી સહી કરવાની હતી. કેનિલે પહેલાં કાગળિયા પર સહી કરી પરિણીતાને ફરી વિશ્વાસમાં લઈને ગર્ભપાત કરાવી દીધો, પરંતુ બાદમાં જ્યારે વકીલે સહી કરેલાં કાગળિયા મંગાવ્યા તો કેનિલે ફોન ઉપાડી જવાબ ન આપ્યો અને ઝામ્બિયા જવા નીકળી ગયો હતો. આ વિશે બાદમાં પરિણીતાએ પોલીસ ફરિયાદ ફરી હતી, જેમાં પોલીસે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી વિદેશ ભાગી જવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.