પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. ISISના હુમલામાં જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ ના ૪૬ કાર્યકરો માર્યા ગયા છે. પાર્ટીના એક નેતાનું પણ મોત થયું હતું. જ્યારે આ આત્મઘાતી હુમલો થયો ત્યારે શાહબાઝ શરીફ સરકારના સમર્થકો વચ્ચે બાજૌર જિલ્લામાં JUL-Fની બેઠક ચાલી રહી હતી. હુમલામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન અને અફઘાન તાલિબાને હુમલાની નિંદા કરી છે. ઘણા ઘાયલોની બજૌર જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને પેશાવરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઈસ્લામિક સ્ટેટે આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પાકિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ પર પ્રતિબંધ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ આતંકી સંગઠન ખૂબ જ સક્રિય છે. ISIS તાલિબાન શાસન વિરુદ્ધ છે. જુલ-એફના વરિષ્ઠ નેતા ફઝલ-ઉર-રહેમાન ખૈબર પખ્તુનખ્વા (કેપી પ્રાંત)ની બેઠકમાં હાજર ન હતા. JULF એ પાકિસ્તાન ડેમોક્રેટિક એલાયન્સનો એક ભાગ છે, જેમાં ફઝલ-ઉર-રહેમાન મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ શાહબાઝ શરીફના નજીકના ગણાય છે.
પીએમ શાહબાઝે આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. હુમલામાં પાર્ટીના એક નેતા ઝિયાઉલ્લા જાનનું મોત થયું છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં રવિવારનો હુમલો ૨૦૧૪ પછી આ પ્રકારનો ચોથો હુમલો છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ તાલિબાને પેશાવરમાં આર્મી સ્કૂલ પર હુમલો કર્યો, જેમાં ૧૪૭ લોકોના મોત થયા. મૃતકોમાં મોટાભાગના બાળકો હતા. જાન્યુઆરીમાં પેશાવરની એક મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૭૪ લોકો માર્યા ગયા હતા. ફેબ્રુઆરીમાં પેશાવરમાં પોલીસ હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે પોલીસકર્મીઓ હતા. ટીટીપી અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં ડઝનબંધ હુમલા કર્યા છે, રવિવારના હુમલાની નિંદા કરી છે. આતંકવાદી સંગઠને એક નિવેદનમાં હુમલાથી પોતાને દૂર રાખ્યા છે. અફઘાન તાલિબાને પણ હુમલાની ટીકા કરી હતી. તાલિબાન શાસનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવા હુમલાઓને યોગ્ય ઠેરવી શકાય નહીં. પાકિસ્તાનમાં તાલિબાનીઓ પણ સક્રિય છે, જ્યાં તેમની નજર પાકિસ્તાનની સત્તા પર છે. ઇસ્લામિક સ્ટેટ પણ સક્રિય છે, જેની સ્થાનિક વિંગે ઘણા હુમલા કર્યા છે. તે સ્પષ્ટ છે કે બે મોરચાની લડાઈ પાકિસ્તાન સરકાર માટે ખૂબ જ પડકારજનક હશે.