વર્ષ 2014માં ઇરાકમાં જે ૩૯ ભારતીયો ગુમ થયા હતા તેના વિશે આંચકાજનક સમાચાર બહાર આવ્યા છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ ૩૯ ભારતીયોને આતંકી સંગઠન આઇએસના આતંકીઓએ પહેલા અપહરણ કર્યું હતું અને બાદમાં તેમની જાહેરમાં એક સાથે હત્યા કરી હતી. અગાઉ પણ આ બાબતે એવી આશંકા સેવવામાં આવી હતી કે આ ભારતીયોની આઇએસએ હત્યા કરી હશે પણ તેના કોઇ પુરાવા સામે નહોતા આવ્યા જેને પગલે સુષમા સ્વરાજે કહ્યું હતું કે જ્યાં સુધી પુરાવા સામે ન આવે ત્યાં સુધી હું આ મુદ્દે કંઇ ન કહીં શકું. પરંતુ હવે તેઓએ સચોટ માહિતી સાથે જણાવ્યું હતું કે આ ભારતીયોનુ મોસુલમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. તેઓના મૃતદેહો મળી આવ્યા છે. આ ૩૯ ભારતીયોમાંથી એક હરીજીત મસીહ પોતાને બાંગ્લાદેશી મુસ્લિમ હોવાનું કહીને આઇએસની જાળમાંથી છોડાવવામાં સફળ રહ્યો હતો, તેણે ભારત આવીને બધી જાણકારી આપી હતી પણ તે સમયે સરકારે ધ્યાન ન આપ્યું.
મળેલ સૂત્રોની માહિતી મુજબ થોડા દિવસ પહેલા ઇરાકના એક પહાડમાંથી મોટી સંખ્યામાં દાટેલા મૃતદેહો મળી આવ્યા હતા. જેનો બાદમાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેના પરથી માલુમ પડયું હતું કે આ મૃતદેહો ગુમ ૩૯ ભારતીયોના જ છે. હાલના સમયમાં વિદેશમાં આટલી મોટી સંખ્યામાં ભારતીયોની કત્લેઆમ પહેલી વખત થઇ છે. મૃતકોમાં મોટા ભાગના પંજાબના રહેવાસી હતા અને નાના મોટા કામકાજ માટે ઇરાકમાં ગયા હતા. જે ૩૯ ભારતીયો માર્યા ગયા છે તેમાંથી ૩૧ પંજાબના, ચાર હિમાચલ પ્રદેશના અને બાકીના પટના અને કોલકાતાના છે.
હાલ રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી.કે.સિંહ ઇરાકમાં તપાસ માટે ગયા હતા, તેઓએ જણાવ્યું હતું કે ૩૯ ભારતીયોના મૃતદેહો મળી આવ્યા છે પણ તેમને કેટલીક પ્રક્રિયામાંથી પસાર કરીને ભારત લાવવામાં આવશે. હાલ દરેક પ્રકારની માહિતી ઇરાક સરકારના આપવાના પ્રયાસો થઇ રહ્યા છે. અને આ પ્રક્રિયામાંથી પસાર થવામાં આઠ દિવસ લાગશે, આ મૃતદેહો તેમના પરીવારજનોને સોપવામાં એક સપ્તાહ લાગશે.
આ ઘટસ્ફોટ થતા વિપક્ષ કોંગ્રેસે મોદી સરકારને આડેહાથ લીધી હતી અને ચાર વર્ષ સુધી કેમ સરકાર કોઇ પગલા ન લઇ શકી તેને લઇને સવાલો ઉઠાવ્યા હતા. સાથે કોંગ્રેસે મોદી સરકારને અસંવેદનશિલ પણ ગણાવી હતી. સાથે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આઘાત વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.