નવી દિલ્હી : બંગાળની ખાડીમાં, આગામી 23 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડુ આકાર પામવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે 20 ઓક્ટોબર, રવિવારના રોજ આ માહિતી આપતા ભારતીય હવામાન વિભાગ (IMD) વાવાઝોડાને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે, વાવાઝોડાથી અસર પામાનારા રાજ્યોના તમામને એલર્ટ રહેવા જણાવ્યું છે.
IMDએ ખાસ કરીને માછીમારોને ઓડિશાના દરિયાથી દૂર રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, 19 ઓક્ટોબરે મધ્ય આંદામાન સમુદ્ર પર બનેલો અપર એર સાયક્લોનિક સરક્યુલેશન 20 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 8.30 વાગ્યે ઉત્તર આંદામાન સમુદ્ર પર હતુ. તેની અસરને કારણે, આગામી 24 કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને નજીકના ઉત્તર આંદામાન સમુદ્રમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે, વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા તટીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બુલેટિન જાહેર કરીને જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન આંદામાન સમુદ્ર પર એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન, આવતીકાલ સોમવાર સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના છે.
IMDએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં લો પ્રેશરની શક્યતા છે. જે આગળ વધીને 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને પછી 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર વાવાઝોડા સ્વરૂપમાં ફેરવાશે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 24 ઓક્ટોબરની સવાર સુધીમાં વાવાઝોડુ ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાથી દૂર બંગાળની ખાડીની ઉત્તર-પશ્ચિમ બાજુએ ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે 23 થી 25 ઓક્ટોબર સુધી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેને જોતા માછીમારોને 21 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે. આઈએમડીના ડાયરેક્ટર જનરલ, મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે તોફાનની અસરને કારણે 21 ઓક્ટોબરની સવારે 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાંજે પવનની ગતી વધીને 60 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે. તેમણે કહ્યું કે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 23 ઓક્ટોબરથી વરસાદની સંભાવના છે, જ્યારે આગામી બે દિવસ 24 અને 25ના રોજ ભારે વરસાદની સંભાવના છે.