અમદાવાદ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ આજરોજ વલસાડ લોકસભા બેઠક પર આવતી પારડી વિધાનસભાના સુખેસ ગામે આયોજિત જનસભાને સંબોધન કર્યું હતું. વાઘાણીએ જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને દેશની ચિંતા નથી માત્ર વોટની જ ચિંતા છે, દેશનું જે થવું હોય તે થાય, કોંગ્રેસને કોઈ જ ફરક પડતો નથી. વિદેશથી ઈમ્પોર્ટ થયેલા નેતાઓ આજે ગુજરાતના પનોતા પુત્ર અને જેની રગ રગમાં રાષ્ટ્રવાદ છે એવા નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછવા નીકળ્યા છે. આદિવાસી ક્ષેત્રના ગરીબ માણસ માટે ભાજપાની સરકારે વિકાસના દ્વાર ખોલ્યા છે.
ગુજરાતના છેવાડાના ગામ સુધી રોડ કનેક્ટિવિટી ભાજપાની સરકારે પહોંચાડી છે. આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે ૭૨ હજાર કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. રોડ-રસ્તા, આરોગ્ય માટેની સુવિધાઓ, સિંચાઇ અને પીવા માટે પાણી, વિજળી તથા ગટર જેવી પાયાની જરૂરિયાતો પણ કોંગ્રેસ વર્ષો સુધી પૂરી પાડી શકી નહોતી. આ બધી જ પાયાની જરૂરિયાતો ભાજપાની સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં ગામડાના માનવી માટે ઉપલબ્ધ કરાવી છે.
કોંગ્રેસ જે વસ્તુ વિચારી પણ નથી શકતી તેવી યોજનાઓ નરેન્દ્ર મોદીએ જમીન પર લાવી કાર્યરત કરી દીધી છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ ખોટું બોલીને, લાલચ આપીને, મતદારોને છેતરીને, મત મેળવવા માટે પ્રયાસો કરી રહી છે. દેશનો યુવા હોય, મહિલા હોય, પીડિત હોય, શોષિત હોય, ગરીબ હોય, આદિવાસી હોય, સવર્ણ હોય, કે અન્ય કોઈપણ સમાજનો કે વર્ગનો કે કોઈપણ ક્ષેત્રનો નાગરિક હોય, આજે નરેન્દ્ર મોદીના શાસનમાં પોતાના જીવનસ્તરને બદલાતું જોઈ રહ્યો છે અને મહેસૂસ કરી રહ્યો છે. ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના ભાવ સાથે દેશનો પ્રત્યેક નાગરિક વિકાસરૂપી બુલેટ ટ્રેનમાં સવાર થઈ ચૂક્યો છે. કોંગ્રેસના જુઠ્ઠાણાંની હવે જનતા પર કોઈ અસર થવાની નથી. જેમ અર્જુનના સારથી ભગવાન શ્રીકૃષ્ણ હતા એમ આજે ‘‘માં ભારતી’’ના સારથી નરેન્દ્ર મોદી છે, ‘‘માં ભારતી’’ની સુરક્ષા માટે નરેન્દ્ર મોદી મોતને હાથમાં લઈને આતંકવાદીઓને પડકારીને તેમનો સફાયો કરી રહ્યા છે.
આતંકવાદ પર આવી મોટી કાર્યવાહી કરવા નરેન્દ્ર મોદી જેવી છપ્પનની છાતી જોઈએ, ગંગુતૈલી જેવા નેતાઓ ના ચાલે. સામાજિક સમરસતાવાળુ ભારત બનાવવા, વૈભવશાળી ભારત બનાવવા, સુરક્ષિત અને સલામત ભારત બનાવવા, નવી પેઢીના સપનાનું ભારત બનાવવા માટે નરેન્દ્ર મોદીને પુનઃ દેશનું સુકાન સોંપવું અનિવાર્ય છે.