ગાંધીનગરના રાંદેસણમાં ગૃહમંત્રી અને મેયરે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું કર્યું ઉદ્‌ઘાટન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે બે દિવસ અગાઉ નાના ચીલોડા ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે અલ્પેશ ઠાકોર “ગો બેક” ના નારા લાગ્યા હતા. આ વચ્ચે રાંદેસણમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મેયર હિતેશ મકવાણા દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરી સભા યોજવામાં આવી હતી. જોકે, જે ઉમેદવારનાં મધ્યસ્થ કાર્યાલય માટે બધા એકઠા થયા એજ ઉમેદવાર અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતાં કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હતો. બીજી તરફ રાંદેસણ ખાતે પણ અલ્પેશ ઠાકોરના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવી કે જેઓ સુરતની મજુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર છે. તેઓ પોતાનો ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે અલ્પેશ ઠાકોરનાં કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

એ સિવાય સાંસદ હસમુખ પટેલ, દક્ષિણ વિધાનસભાના પ્રભારી જયશ્રીબેન પટેલ, મેયર હિતેશભાઈ મકવાણા, હોદ્દેદારો, નગર સેવકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જેનાં માટે સૌ કોઈ એકઠા થયા હતા એવા દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતાં કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો હતો. આ અંગે અલ્પેશ ઠાકોરનાં મીડિયા સેલ દ્વારા જણાવાયું હતું કે, અલ્પેશ ઠાકોર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે આવી શક્યા નહોતા.

Share This Article