અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં પ્રખ્યાત કુંજ ઝુલેલાલ મંદિરમાં મંગળવારથી સતત ૪૦ દિવસ સુધી ૧૫૦૦ લોકો દ્વારા પુજ ચાલિયો ઉપવાસ વ્રતનો ભારે ઉત્સાહ અને ભકિતભાવપૂર્વક પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સિંધીસમાજના હજારો લોકો ખાસ હાજર રહ્યા હતા અને ભગવાન ઝુલેલાલની જયના નારા લગાવ્યા હતા. ભગવાન ઝુલેલાલની વિશેષ પૂજા અને આરતીને લઇ સિંધીસમાજના લોકોમાં ઉત્સાહ અને ભકિતનો માહોલ જાણે છવાયો હતો.
સિંધી સમાજના પુજ ચાલિયો ઉપવાસ વ્રતને લઇ સિંધી સમાજમાં ખાસ કરીને સરદારનગર વિસ્તારમાં કુંજ ઝુલેલાલ મંદિર ખાતે લોકોત્સવ અને મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. નાના બાળકો, મહિલાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો આ ઉપવાસ વ્રતના ધાર્મિક પ્રસંગમાં ઉમટયા હતા. દરમ્યાન સિંધી સમાજના અગ્રણી રમેશભાઇ ગીડવાણી અને પ્રિયંક ગીડવાણીએ જણાવ્યું હતું કે, સતત ૪૦ દિવસ સુધી સિંધીસમાજના ૧૫૦૦ જેટલા ભાઇ-બહેનો દ્વારા અખ્ખો(ઝુલેલાલની જળ અને જયોતની પૂજા) કરવામાં આવશે. છેલ્લા ૪૩ વર્ષથી સતત સિંધી સમાજના ભાઇ-બહેનો દ્વારા આ પવિત્ર પુજ ચાલિયો ઉપવાસ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. સતત ૪૦ દિવસના ઉપવાસ વ્રત દરમ્યાન છેલ્લા ત્રણ દિવસ ભગવાન ઝુલેલાલનો સરદારનગરમાં ભવ્ય મેળો ભરાશે. ઉપવાસ વ્રતના અંતિમ દિવસે બે હજારથી વધુ સિંધીસમાજના ભાઇ-બહેનો માટલી પૂજા કરશે અને ભવ્ય બેડા મેળો યોજશે.
સિંધી સમાજના અગ્રણી રમેશભાઇ ગીડવાણી અને પ્રિયંક ગીડવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, પુજ ચાલિયો દરમ્યાન ઉપવાસ કરનારા શ્રદ્ધાળુ ભકતો ભગવાન ઝુલેલાલની આરતીના રોજ દર્શન કરશે. સાથે સાથે ભગવાન ઝુલેલાલની જળ-જયોતની પૂજા(અખ્ખો) કરીને મંત્રોચ્ચાર સાથે ભગવાન ઝુલેલાલની બહેરાણા સાહેબ(પાલખી)ની જયોત પ્રજ્વલિત કરાશે. અંતિમ દિવસે નિયમ પ્રમાણે, આ પવિત્ર જયોતને દરિયાકિનારે(સાબરમતી નદીના આરે) પધરાવાય છે. ઉપવાસ વ્રતના અંતિમ દિવસે સિંધીસમાજના ભાઇ-બહેનો ખૂબ મોટી સંખ્યામાં છેજ લઇ શોભાયાત્રા મારફતે ભારે ઉત્સાહ સાથે જયોત નદીમાં પધરાવવા નીકળશે. આ શોભાયાત્રામાં ૧૫૦૦થી વધુ લોકો માથે માટલી મૂકી જોડાશે.
સરદારનગરથી આ વિશાળ શોભાયાત્રા નીકળી એરપોર્ટ, કેમ્પ હનુમાન, અસારવા સિવિલના રૂટ પર થઇ છેલ્લે કાલુપુર સુધીના નિયત રૂટ પર નીકળશે અને આખરે પવિત્ર જયોત નદીમાં પધરાવવામાં આવશે.