હિન્દુ પક્ષએ જ્ઞાનવાપી મામલે વજૂખાનાનો સર્વે કરવાની માગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે ઃ હિન્દુપક્ષની સુપ્રીમ પાસે માંગ

જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં વજૂખાનાનો સર્વે કરવાની માગને લઈ અરજી દાખલ કરવામાં આવી છે. હિન્દુ પક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગ હાજર છે. સર્વેનો આદેશ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિર્દેશકને આપવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હિન્દુ પક્ષે કહ્યું કે આ સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે. હાલના વજૂખાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુરક્ષિત છે, જેમાં હિન્દુ પક્ષ આદિ વિશ્વેશ્વરનું શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યા છે અને મુસ્લિમ પક્ષ તેને ફુવારો કહે છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટ દ્વારા સુરક્ષિત એવા વિસ્તારમાં ASI સર્વે કરવામાં આવે. ત્યારે વજુ ખાના વિસ્તારને સંરક્ષિત કરવામાં આવ્યો હતો, તેને દૂર કરવાની માગ ઉઠી છે. તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે હિન્દુ ત્યાં પૂજા કરવા ઈચ્છે છે કારણ કે કથિત રીતે ત્યાં શિવલિંગ છે અને આવી સ્થિતિમાં જે સંરક્ષણનો આદેશ સુપ્રીમ કોર્ટમાં જાહેર કર્યો હતો, તેને સુપ્રીમ કોર્ટ હટાવે. અરજીમાં કહેવા આવ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદના અન્ય સ્થળો પર એએસઆઈ સર્વે કરાવવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સમગ્ર વિસ્તારની સફાઈ માટે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટની સામે હિન્દુ પક્ષ તરફથી આવેદન દાખલ કરવામાં આવ્યું હતું. હિન્દુ અરજીકર્તાઓ મુજબ જ્ઞાનવાપી મસ્જિદનું વજુખાના તે સ્થળ છે, જ્યાં શિવલિંગ મળ્યુ છે. અરજીમાં હિન્દુ પક્ષે કહ્યું હતું કે ૧૨થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ની વચ્ચે પાણીની ટેન્કમાં માછલીઓ મરી ગઈ અને તેના કારણે ટેન્કમાં દુર્ગંધ આવી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ત્યાં હાજર શિવલિંગ હિન્દુઓ માટે પવિત્ર છે અને તેને ગંદકી, મૃત જાનવરો વગેરેથી દુર રાખવામાં આવે અને સાફ સફાઈવાળી જગ્યા પર હોવુ જાેઈએ. હાલમાં તે મૃત થયેલી માછલીઓની વચ્ચે છે, જે ભગવાન શિવના ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આ અરજી વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરવામાં આવી હતી. વધુમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપીમાં આવેલી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ પ્રબંધન સમિતિ માછલીઓની હાલત માટે જવાબદાર છે.

Share This Article