નવી દિલ્હીઃ છેલ્લા થોડાક દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા સસ્તી વિમાની યાત્રા માટે ઉડાણ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવ્યા બાદ તેની અસર દેખાવા લાગી ગઈ છે. દુનિયાભરના વિમાની યાત્રીઓને લઈને હાલમાં જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિમાની યાત્રીઓની સંખ્યાના આધાર ઉપર અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા સ્થાન ઉપર છે.
દુનિયામાં સૌથી વધારે વિમાન યાત્રીઓની સંખ્યાનામાં મામલામાં ભારત ત્રીજા સ્થાને છે. આ યાદીમાં વિમાની યાત્રીઓની સંખ્યા દર્શાવવામાં આવી છે. અમેરિકા પ્રથમ સ્થાન પર છે. જ્યારે ચીન બીજા સ્થાન ઉપર છે. યાદીમાં રાષ્ટ્રીયતાના આધાર ઉપર ભારતીય લોકો ત્રીજા સ્થાને છે.
વર્ષ ૨૦૧૭ના આંકડા ઉપર આધારીત આ યાદી ઈન્ટરનેશનલ એરટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવી છે. આ યાદી મુજબ વર્ષ ૨૦૧૭ના ગાળા દરમિયાન સમગ્ર દુનિયામાં આશરે ૪૦૦ કરોડ લોકોએ વિમાની અને સ્થાનિક યાત્રા માટે વિમાની રસ્તાનો ઉપયોગ કર્યો હતો. આ યાત્રીઓમાં સૌથી વધુ સંખ્યા અમેરિકી નાગરિકોની રહી હતી. જ્યાં ૬૩.૨ કરોડ લોકોએ વિમાની યાત્રા કરી હતી. ચીન બીજા સ્થાને રહ્યું હતું. ચીનમાં ૫૫.૫ કરોડ લોકોએ વિમાની યાત્રા કરી હતી. ત્રીજા સ્થાન પર ભારતીય લોકો રહ્યા હતા. જ્યાં ૧૪.૭ કરોડ યાત્રીઓએ પોતાની જુદી જુદી યાત્રાઓ માટે વિમાની રસ્તાનો ઉપયોગ કર્યો હતો. ખાસ બાબત એ છે કે વર્ષ ૨૦૧૭માં બ્રિટનમાં ૧૪.૭ કરોડ લોકો અને જર્મનીમાં ૧૧.૪ કરોડ લોકોએ વિમાની યાત્રા કરી હતી. ટકાવારીની વાત કરવામાં આવે તો આ યાદીમાં ૧૮.૬ ટકા યાત્રી અમેરિકાના રહ્યા છે. જ્યારે ૧૬.૩ ટકા યાત્રી ચીનના રહ્યા છે. યાદીમાં ૪.૩ ટકાની સંખ્યા સાથે ભારતીય યાત્રીઓની સંખ્યા ત્રીજા સ્થાન ઉપર છે.
વર્ષ ૨૦૧૬માં ભારત દુનિયાના ત્રીજા સૌથી મોટા સ્થાનિક એટટ્રાવેલ માર્કેટ તરીકે છે. વર્ષ ૨૦૧૬ની યાદીમાં ચીનને સૌથી મોટા સ્થાનિક એર ટ્રાવેલ માર્કેટ તરીકે રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે ભારતને આ યાદીમાં જાપાનથી મોટા બજાર તરીકે ગણાવીને તેને સ્થાન આપવામાં આવ્યું છે. બ્રિટન અને જર્મની જેવા દેશો પણ ભારતથી પાછળ રહી ગયા છે. વર્ષ ૨૦૧૭માં રહેલા આંકડાની વાત કરવામાં આવે તો અમેરિકા હજુ પણ સૌથી આગળ રહ્યું છે.
વિમાની યાત્રીની સંખ્યા
છેલ્લા થોડાક દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા સસ્તી વિમાની યાત્રા માટે ઉડાણ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવ્યા બાદ તેની અસર દેખાવા લાગી ગઈ છે. વિશ્વના દેશોમાં ક્યાં કેટલા વિમાની યાત્રીઓની સંખ્યા નોંધાઈ છે તેના આંકડા વર્ષ ૨૦૧૭માં જારી કરવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વર્ષ ૨૦૧૭ના આંકડા જારી કરવામાં આવ્યા છે તે મુજબ કયા દેશમાં કેટલા વિમાની યાત્રી નોંધાયા તે નીચે મુજબ છે.
દેશ…………….વિમાની યાત્રી (કરોડમાં)
અમેરિકા…….૬૩.૨
ચીન………….૫૫.૫
ભારત……….૧૪.૭
બ્રિટન………..૧૪.૭
જર્મની………..૧૧.૪