અમદાવાદ : ચકચારભર્યા ખનીજ ચોરી કેસમાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયેલા તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં અધ્યક્ષના નિર્ણયને મોકૂફ રાખવાની કરાયેલી માંગણી ગુજરાત હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી. એટલું જ નહી, તાલાલાની પેટાચૂંટણી પર સ્ટે આપવાનો પણ હાઇકોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે બારડની સજાને યથાવત્ રાખી હતી અને ભગા બારડની અરજી ફગાવી દઇ તાલાલા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો હતો.
હાઇકોર્ટે ભગવાનભાઇ બારડની અરજી ફગાવી દેતાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાના નિર્ણયને પણ બહાલ રાખ્યો હતો. આમ, હાઇકોર્ટે પૂર્વ ધારાસભ્યને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. જેને પગલે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી નારાજ ભગવાનભાઇ બારડ દ્વારા સુપ્રીમકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને હાઇકોર્ટના આ ચુકાદાને પડકારવામાં આવ્યો છે. જેની સુનાવણી સોમવારે હાથ ધરાય તેવી શકયતા છે. ખનીજ ચોરી કેસમાં ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા બાદ તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવાને લઈ ગુજરાત હાઈકોર્ટે અગાઉની સુનાવણીમાં પૃચ્છા કરી હતી કે, જા ધારાસભ્ય ભગવાનભાઇ બારડની સજા સામે સેશન્સ કોર્ટનો સ્ટે હતો તો પછી ચૂંટણી પંચે તાલાલા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં કેમ આટલી ઉતાવળ કરી ? ચૂંટણીપંચનો નિર્ણય સ્પીકરના પત્રને આધારે છે કે કેમ? તેની પણ સ્પષ્ટતા કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો. જેના અનુસંધાનમાં ગઇકાલે ચૂંટણી પંચે હાઇકોર્ટ સમક્ષ જવાબ રજૂ કર્યો હતો કે, લોકસભા ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી થઈ જાય તે માટે બંને ચૂંટણીનું જાહેરનામું સાથે જ બહાર પાડવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે,તાલાલા બેઠકની પેટા ચૂંટણી તા.૧૦ માર્ચે જ જાહેર કરી દેવાઇ હતી કારણ કે, તા.૧૦મી માર્ચ પહેલાં જ પેટા ચૂંટણી જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. ચૂંટણી પંચ એ વિધાનસભાના સ્પીકરની અપિલેટ ઓથોરિટી નથી. આથી સ્પીકરના નિર્ણયનો રિવ્યૂ કરવાનું કામ પંચનું નથી. સ્પીકર એક વખત પોતાનો નિર્ણય જાહેર કરે અને કોઈ બેઠક ખાલી હોય તો એમાં ચૂંટણી પંચ સમીક્ષા નથી કરતું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે બારડના સસ્પેન્શનના ૧૦ દિવસમાં તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. વેરાવળ સેશન્સ કોર્ટમાં તેમણે પોતાની સજાને પડકારી હોવાની હકીકત જાણવા છતાં પણ ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હતો.
કોર્ટે તા.૨૦મી માર્ચે નોટિસ આપવા છતાં પણ ચૂંટણી પંચે કોઈ જવાબ આપવાની તસ્દી લીધી ન હતી. બીજી તરફ સરકારે રજૂઆત કરી હતી કે, કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે બારડને સસ્પેન્ડ કરવા માટેના પૂરતા અને યોગ્ય પગલાં લેવાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, અગાઉ તા.૧૫ માર્ચના રોજ હાઈકોર્ટે વેરાવળ સેશન્સ કોર્ટે સજાના અમલ પર મુકેલા સ્ટેને રદ કર્યો હતો તેમજ કેસને ફરી ચલાવવા માટે આદેશ આપ્યો હતો. આ પહેલાં ભગવાન બારડે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી ૨ વર્ષ ૯ માસની સજા સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાર બાદ સેશન્સ કોર્ટે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી સજાના અમલ પર સ્ટે આપ્યો હતો. ૧૯૯૫ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને બે વર્ષ ૯ માસની સજા ફટકારી હતી. લગભગ ૨૫ વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે ૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં તેમને તા.૧લી માર્ચ,૨૦૧૯ના રોજ ઉપરોકત સજા ફરમાવાઇ હતી.