અમદાવાદ : રાજ્યમાં ગુમ થયેલા હજારો બાળકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલમાં આજે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ગુમ થયેલા બાળકોની વિગતો માગી છે. હાઇકોર્ટે ગુમ થયેલ બાળકોની વિગતો સાથેનો અહેવાલ આગામી મુદતે રજૂ કરવા પણ સરકારપક્ષને તાકીદ કરી હતી. રાજયમાં ગુમ થયેલા બાળકો અંગેની જાહેરહિતની રિટ અરજીમાં હાઇકોર્ટે આજે રાજય સરકારને પૃચ્છા કરી હતી કે, રાજ્યભરમાંથી એક યા બીજા કારણોસર ગુમ થયેલા કે લાપતા બનેલા બાળકોને શોધવા માટે સરકાર શું પગલા લઈ રહી છે. એક તબક્કે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે જો હજારો બાળકો રાજ્યમાંથી ગુમ થાય તે ગંભીર બાબત ગણાય. આગામી મુદતે તેનો ખુલાસો કરવાનો પણ હાઇકોર્ટે સરકારને તાકીદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દરરોજ સંખ્યાબંધ બાળકો ગુમ થઈ રહ્યા છે. જે સરકાર માટે એક ચિંતાનો વિષય બની ગયો છે. બાળકોને શોધવા માટેની જવાબદારી રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમ સહિત ક્રાઈમ બ્રાંચ તેમજ અન્ય એજન્સીઓને સોંપી છે. બાળકો ગુમ થવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈએલ થઈ હતી. જેમાં આજે હાઈકોર્ટે રાજ્ય સરકારને ગુમ થયેલા બાળકોની તમામ વિગતો રજુ કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ ગુમ થયેલા બાળકોને લઇ હાઇકોર્ટે સરકારને મહત્વના નિર્દેશો અને સૂચનાઓ પણ જારી કર્યા હતા પરંતુ તેમછતાં પરિÂસ્થતિ જૈસે થે જ જણાતાં હાઇકોર્ટે સરકારપક્ષ પાસેથી વિગતવાર માહિતી માંગી છે, જેને પગલે હવે આગામી મુદતે સરકારને લાપતા બાળકોની વિગતો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવી પડશે.