અમદાવાદના લાલદરવાજા પાસે વિદ્યાર્થીઓ પર કરાયેલાં ગોળીઓના વરસાદે રોપ્યું હતું ગુજરાતની સ્થાપનાનું બીજ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ગુજરાત રાજ્યનો ૬૩ મો સ્થાપના દિવસ… ૧ મે ૧૯૬૦માં બૃહદમુંબઈમાંથી અલગ પડીને ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે એક લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. જે આંદોલનને આપણે મહા ગુજરાત આંદોલન તરીકે ઓળખીએ છીએ. પરંતુ તેમાં ખાંભી સત્યાગ્રહનું પણ ખુબ મહત્વ રહેલું છે. આજે ગુજરાતના સ્થાપના દિવસે આપણે જાણીએ શું છે ખાંભી સત્યાગ્રહ…ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલનનો મોટો ફાળો રહ્યો હતો. પરંતુ ૯૫૬માં શરૂ થયેલા આ આંદોલનને વેગ આપવાનું કામ ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભી ઉભી કરી લોકોની લાગણીને સાંકેતિક રીતે વાચા આપી હતી. માટે એ સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો છે. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારે ઝુકવું પડયું હતુ. ૧૯૫૬માં શરૂ થયેલું મહાગુજરાત આંદોલન ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે પૂર્ણ થયુ.  ત્યારે તે સમયે ૧૯૫૬માં અમદાવાદના લાલદરવાજા પાસેના તત્કાલીન કોંગ્રેસભવન પાસે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અચાનક ગોળીબાર શરુ થયો. જેના કારણે આ આંદોલન લોહીયાળ બન્યું આ ઘટનામાં શહીદ થયેલા યુવાનોની યાદીમાં શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે આ સ્મારક એટલે કે ખાંભી બનાવવા માટે ૧૯૫૮માં ૨૨૬ દિવસ લાંબો ‘ખાંભી સત્યાગ્રહ’ ચાલ્યો હતો. ૧૯૫૬માં ગુજરાત રાજ્યની માંગણી સાથે અમદાવાદના તત્કાલીન કોંગ્રેસ ભવન પાસે પહોંચેલા કેટલાંક વિદ્યાર્થીઓ પોતાની વાત શાંતિમય રીતે રજૂ કરી રહ્યાં હતા. તેવા જ સમયે અચાનક ગોળીબાર થવા લાગે છે. વિદ્યાર્થીઓ કશું સમજે તે પહેલા જ બનાસકાંઠાના પૂનમચંદ નામના યુવાનને માથામાં ગોળી વાગતા તે મૃત્યુ પામે છે. પૂનમચંદ સાથે ગોળીબારમાં સેંટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થી કૌશિક ઈન્દુલાલ વ્યાસ, ઠાકર્સ હાઈસ્કૂલમા ભણતો વિદ્યાર્થી સુરેશ જયશંકર ભટ્ટ અને મુસ્લિમ યુવાન અબ્દુલ પીરભાઈને પણ ગોળી વાગતા તમામ શહીદ થાય છે અને તેમની યાદમાં શહીદ સ્મારક બનાવવાની વાત ચાલી. આ ગોળીબારની ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા. ત્યારબાદ કોંગ્રેસના મોટા નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્‌યૂ પાળીને મોરારજીભાઈની નેતાગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. ઈન્દુચાચા સહિત તમામ લોકો આ વિદ્યાર્થીઓની શહીદીથી વ્યથિત હતા. ત્યારબાદ ઈન્દુચાચાએ કોંગ્રેસ ભવનના ઓટલા પર શહીદ સ્મારક મુકવાની જાહેરાત કરી હતી. તેની કામગીરી યુવાનોને સોંપવામાં આવી.

કડિયાનાકામાંથી ધ્રાંગધ્રાની ઘંટીના પથ્થરો મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું હતું. નક્કી થયા પ્રમાણે ૧૯૫૮ની ૭મી ઓગસ્ટે રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલી ઓટલી તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮મી ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલે ત્યાં ખાંભી ગોઠવી દીધી હતી. યુવાનો દ્વારા ચણતર કરી લેવામાં આવ્યું અને એ પછી સત્યાગ્રહને ખાંભી સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ઈતિહાસમાં આ ખાંભી સત્યાગ્રહનું મહત્વનું યોગદાન છે. ખાંભી ગોઠવાઈ જવાથી લોકોનો જુસ્સો પણ વધી ગયો હતો. ત્યારબાદ સરકારે રાતોરાત તે સ્મારક ત્યાંથી હટાવી દીધું હતું. જેથી આજે તે સ્મારક ત્યાં નથી. ત્યારબાદ નવું સ્મારક બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાગુજરાત આંદોલનને વેગ મળ્યો અને લોકો જોડાયા હતા. કુલ ૨૨૬ દિવસ સુધી આ ખાંભી સત્યાગ્રહ ચાલ્યો હતો. છેવટે મહાગુજરાત આંદોલનને મજબૂતી મળતા સરકાર ઝુકી અને બે વર્ષ પછી ૧૯૬૦માં ગુજરાતને બૃહદમુંબઈથી અલગ કરી દેવામાં આવ્યું હતું.

Share This Article