જીડીપીના મોરચા પર સતત નિરાશાજનક સમાચાર હાથ લાગ્યા બાદ હવે જીએસટી વસુલાતના મોરચા પર રાહતના સમાચાર મળ્યા છે. ત્રણ મહિનાના ગાળા બાદ ફરીથી એક લાખ કરોડના આંકડાને વસુલાતનો આંકડો પાર કરી જતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. સરકારને ટિકા ટિપ્પણીથી બચવાની તક મળી શકે છે. નવેમ્બર મહિનામાં જીએસટી વસુલાત એક વર્ષ પહેલા આ જ માસમાં વસુલાતની તુલનામાં છ ટકાનો વધારો થયો છે. આની સાથે જ વસુલાતનો આંકડો ૧.૦૩ લાખ કરોડ રૂપિયા થઇ ગયો છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં જીએસટી વસુલાતનો આંકડો ૯૫૩૮૦ કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૯૭૬૩૭ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી. સત્તાવાર નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે આ વખતે નવેમ્બર મહિનામાં કેન્દ્રિય જીએસટી વસુલાતનો આંકડો ૧૯૫૯૨ કરોડ રૂપિયા રહ્યો છે. રાજ્ય જીએસટી મારફતે ૨૭૧૪૪ કરોડની વસુલાત કરવામાં આવી છે. એકીકૃત જીએસટીમાંથી ૪૯૦૨૮ કરોડ રૂપિયાની આવક થઇ છે. જીએસટી પેટા કરથી વસુલીનો આંકડો ૭૭૨૭ કરોડનો રહ્યો છે. હાલમાં આર્થિક મંદી વચ્ચે આંકડાકીય રીતે સરકારને નિરાશા હાથ લાગી રહી છે ત્યારે સરકારને હવે જીએસટીના મોરચે રાહત થઇ છે.
આર્થિક સુસ્તીને લઇને સરકાર ટિકાના ઘેરામાં છે. સરકાર દ્વારા લેવામાં આવેલા સ્ટીમ્યુલસ પગલાના પરિણામ સ્વરુપે જીએસટી વસુલાતમાં વધારો થયો છે અને આંકડો એક લાખ કરોડને પાર કરી ગયો છે. સતત ત્રણ મહિના સુધી આંકડો એક લાખ કરોડથી નીચે રહ્યા બાદ હવે વધ્યો છે. ઓક્ટોબર મહિનામાં ગ્રોસ જીએસટી રેવેન્યુ વસુલાતનો આંકડો ૯૫૩૮૦ કરોડ રૂપિયા રહ્યો હતો. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જીએસટી વસુલાતનો આંકડો એક લાખ કરોડથી નીચે રહ્યો હતો. જુલાઈ ૨૦૧૭માં જીએસટીની શરૂઆત થયા બાદથી આઠમી વખત આવું બન્યુ છે જ્યારે વસુલાતનો આંકડો એક લાખ કરોડથી ઉપર પહોંચી ચુક્યો છે. નવેમ્બર ૨૦૧૯માં વસુલાતનો આંકડો જીએસટીની રજૂઆત બાદથી ત્રીજી વખત સૌથી જંગી માસિક વસુલાત સુધી પહોંચ્યો છે.
જીએસટીમાં વધારાને લઇને જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, તહેવારના મહિનામાં આંકડો એક લાખ કરોડથી ઉપર પહોંચ્યો છે. સ્થિતિમાં હજુ પણ સુધારો થઇ શકે છે. નવેસરના જીએસટીના આંકડા અંગે સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી પરંતુ સ્થિતિમાં સુધારો થતાં રાહત થઇ છે.