સરકારે સંકેત કર્યો છે કે ફ્યુઅલ ચાર્જ પર લાગતી ડ્યુટી પર તાત્કાલિક ઘટાડો કરવામાં નહીં આવે. ગ્લોબલ ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતા વધારાની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતો રહેશે. ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી સુભાષ ચંદ્ર ગર્ગે મીડિયાને જણાવ્યું કે, જો કિંમતો વધશે તો ચોક્કસપણે ઈમ્પોર્ટ બિલ પર તેની અસર પડશે.
પરંતુ અમે જોયું કે વિવિધ પરિસ્થિતિઓ અંતર્ગત લગભગ 25 બિલિયન ડોલરથી લઈને 50 બિલિયન ડોલર સુધી અસર પડતી હોય છે. CAD(કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ) પર ઓઈલની અસર પડતી હોય છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ વૈશ્વિક ધોરણે ક્રૂડ પ્રાઈસની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ પહોંચી હતી. શુક્રવારના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 75.61 રુપિયા જ્યારે ડીઝલની કિંમત 67.08 રુપિયા હતી. એક વર્ષ પહેલા રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 65.32 રુપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત 54.90 રુપિયા પ્રતિ લીટર હતી.
ગર્ગે વધુમાં જણાવ્યું કે, ઓઈલ પ્રાઈસ અને ગ્રોથમાં વધારે કોઈ સંબંધ નથી. જો કિંમતો થોડી વધારે પણ રહેશે તો પણ સ્ટ્રોન્ગ ગ્રોથની સંભાવનાઓ છે. મેક્રો-ઈકોનોમિકની દ્રષ્ટિએ, અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે, માટે ચિંતાનો કોઈ વિષય નથી.